રુદ્ર વીણા નિર્માણ માટે કિશોરભાઈ મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી દ્વારા પુરસ્કાર માટે પસંદગી

ગુજરાત જાણવા જેવું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, વડોદરા :

રુદ્ર વીણાના નિર્માણ અને સંવર્ધન ક્ષેત્રે કાર્યરત વડોદરાના કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી પુરસ્કાર-2024 માટે પસંદગી કરવામાં આવી છે. નવી દિલ્હી સ્થિત સંગીત નાટક અકાદમી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

પસંદગી અંગે પ્રતિભાવ આપતાં કિશોરભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ સન્માન તેમના પૂર્વજોના કાર્ય અને પરંપરાની માન્યતા છે. તેમણે જણાવ્યું કે આ પુરસ્કાર ગુજરાતની સંગીત પરંપરાને રાષ્ટ્રીય સ્તરે મળેલી ઓળખ સમાન છે. તેઓ છેલ્લા પાંચ દાયકાથી રુદ્ર વીણાના નિર્માણ અને સંવર્ધન સાથે જોડાયેલા છે.

ગુરુ-શિષ્ય પરંપરા હેઠળ આપી રહ્યા છે તાલીમ…

વર્ષ 2023માં સંગીત નાટક અકાદમીએ કિશોરભાઈ મિસ્ત્રીને રુદ્ર વીણા નિર્માણ ક્ષેત્રે ગુરુ તરીકે માન્યતા આપી હતી. હાલમાં તેઓ ગુરુ-શિષ્ય પરંપરા હેઠળ સંગીતસાધકોને રુદ્ર વીણા બનાવવાની તાલીમ આપી રહ્યા છે.

ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોમાં યુવાનોનો રસ જોવા મળ્યો છે. કિશોરભાઈ મિસ્ત્રીએ જણાવ્યું કે વર્ષ 2023માં યોજાયેલા ઇન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પોમાં ભાગ લેવાની તક મળી હતી. આ પ્રસંગે સંગીતપ્રેમીઓ તેમજ યુવા વર્ગે રુદ્ર વીણા અને તેની નિર્માણ પ્રક્રિયા અંગે રસ દાખવ્યો હતો.

રુદ્ર વીણાના નિર્માણમાં બે થી ત્રણ વર્ષનો સમય…

કિશોરભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ રુદ્ર વીણાના નિર્માણમાં કુદરતી સામગ્રીનો ઉપયોગ થાય છે. વીણાના બંને છેડે લગાવવામાં આવતા તુંબડા દૂધીના કુળની વનસ્પતિમાંથી તૈયાર કરવામાં આવે છે. રુદ્ર વીણા માટે મહારાષ્ટ્રના પંઢરપુર વિસ્તારમાંથી તુંબડા પસંદ કરવામાં આવે છે.  વાદ્યના મુખ્ય દંડ માટે પેસિફિક બામ્બુનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કુદરતી રીતે સુકવ્યા બાદ અંદરથી પોલો કરવામાં આવે છે. ખૂંટીઓ માટે કાળા સીસમનું લાકડું અને શોભા માટે મયુરની કોતરણી કરવામાં આવે છે. એક રુદ્ર વીણાના નિર્માણમાં અંદાજે બે થી ત્રણ વર્ષનો સમય લાગે છે.

153 વર્ષથી વાદ્ય નિર્માણની પરંપરા…

મિસ્ત્રી પરિવાર વડોદરાના વેરાઈ માતા ચોક, ખંડેરાવ માર્કેટ નજીક આવેલી પોતાની દુકાનમાં છેલ્લા 153 વર્ષથી વાદ્ય નિર્માણનું કાર્ય કરી રહ્યો છે. અહીં નિર્મિત સિતાર, સરસ્વતી વીણા અને રુદ્ર વીણા જેવા વાદ્યો ન્યૂયોર્ક, હોલેન્ડ, ફ્રાન્સ અને વડોદરાના સંગ્રહાલયોમાં સ્થાન પામ્યા છે. આ ઉપરાંત વડનગર ખાતે નિર્માણાધીન સંગીત મ્યુઝિયમ માટે પરિવારે 31 પરંપરાગત સંગીત વાદ્યો તૈયાર કર્યા છે.

અકસ્માતથી શરૂ થઈ વાદ્ય નિર્માણની પરંપરા….

કિશોરભાઈ મિસ્ત્રીના જણાવ્યા મુજબ તેમના પરદાદા મનસુખ રઘુનાથજી ગાયકવાડ દરબારના રુદ્ર વીણા વાદક એમ.સી. બુઆ પાસેથી સંગીત શીખતા હતા. એક વખત ગુરુજીની વીણા તૂટી જતાં તેમણે પોતાની રીતે તેની દુરસ્તી કરી હતી. દુરસ્તીથી સંતોષ પામેલા ગુરુજીએ તેમને નવું વાદ્ય બનાવવાનો પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારબાદ મિસ્ત્રી પરિવારે વાદ્ય નિર્માણ ક્ષેત્રે કાર્ય શરૂ કર્યું, જે પરંપરા આજે પણ ચાલુ છે.