ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
ભારતીય ક્રિકેટ ટીમના ખ્યાતનામ ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા પોતાના પતિની માફક રમત ગમતના મેદાનમાં પોતાનું કૌશલ્ય દાખવી રહ્યા છે, અને તાજેતરમાં જામનગરની એક શાળામાં યોજાયેલા શાળાકીય ખેલ મહોત્સવમાં જુદી જુદી રમતની સ્પર્ધાઓમાં ભાગ લઈને દેશી રમતો સાથે પોતાની સ્મૃતિ તાજી કરી હતી, અને પ્રત્યેક વિદ્યાર્થીઓએ જીવનમાં રમતો રમીને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટેનો વિશેષ સંદેશો આપ્યો હતો.
જામનગરની જી.ડી. શાહ હાઇસ્કુલ ખાતે શાળાકીય રમતોત્સવ યોજાયો હતો, જેમાં રિવાબા જાડેજા મુખ્ય મહેમાન બન્યા હતા. આ સાથે પોતે પણ દેશી રમતો રમીને પોતાનું કૌશલ દાખવ્યું હતું.
રિવાબા જાડેજાએ શાળાની વિદ્યાર્થીઓની સાથેની રસ્સા ખેંચ હરિફાઈમાં ભાગ લીધો હતો, અને દોરડું ખેંચીને પોતાના વિદ્યાર્થીકાળના જીવનને યાદ કર્યો હતો. એટલું જ માત્ર નહીં કબડ્ડીની સ્પર્ધામાં પણ વિદ્યાર્થીનિઓ સાથે પોતે કબડ્ડી રમ્યા હતા, અને પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું.
ઉપરાંત જીવનમાં બેલેન્સ ની કેટલી જરૂર છે, તે માટેની કોન બેલેન્સની હરીફાઈમાં પોતે માથા પર કોન મૂકીને બેલેન્સ જાળવીને દોડ્યા હતા અને સ્પર્ધા પૂર્ણ કરી હતી. જેથી તમામ વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહિત બન્યા હતા.
રિવાબાએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને મોબાઈલ અને વિડીયો ગેમ્સથી દૂર રહીને મેદાનની રમતો તરફ વળવા માટેનો અનુરોધ કર્યો હતો.
તેઓએ વધુમાં જણાવ્યું હતું, કે રમત ગમત એ માત્ર મનોરંજન નથી પરંતુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શિસ્ત ટીમવર્ક અને ખેલદિલી જેવા અનેક ગુણોનો વિકાસ થાય છે. સાથો સાથ ટેકનોલોજીના યુગમાં પણ પરંપરાગત રમતોનું મહત્વ જાળવી રાખવા માટેનો વિશેષ સંદેશો આપ્યો હતો.
