સૌપ્રથમવાર રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા જામનગરમાં શરૂ, સાંસદ મેયર સહિતના મહાનુભાવોએ પ્રારંભ કરાવ્યો

ખેલ-કૂદ ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં રાજ્ય કક્ષાની ચાર દિવસીય બાસ્કેટબોલ સ્પર્ધા શરૂ થઇ છે. જેમાં રાજ્યભરમાંથી 400 જેટલા ખેલાડીઓ ઉમટી પડવાના છે. આ સ્પર્ધાનો સાંસદ પુનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવોએ પ્રારંભ કરાવ્યો છે.

જામનગરમાં ગઈકાલથી 28 મે સુધી સેન્ટ ઝેવીયર્સ સ્કૂલમાં જામનગર ડિસ્ટ્રિકટ બાસ્કેટબોલ એશોસીએશન દ્વારા આયોજિત તથા એચ.આર.માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પુરસ્કૃત રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જે ટુર્નામેન્ટનો સાંસદ પૂનમબેન માડમે પ્રારંભ કરાવ્યો છે.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે ટુર્નામેન્ટ પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, જામનગર રમતગમત ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું શહેર છે તેમજ જામનગરવાસીઓ આ પ્રકારના આયોજનોને ખૂબ જ ઉત્સાહથી વધાવે છે. યુવાઓએ જીવનમાં અવશ્ય કોઈ સ્પોર્ટને પસંદ કરી તેને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ. આવી સ્પર્ધાઓના માધ્યમથી જ આપણને શ્રેષ્ઠતમ ખેલાડીઓ પ્રાપ્ત થાય છે. જામનગરના આંગણે આ સ્પર્ધાના માધ્યમથી સમગ્ર ગુજરાત સમરસતાથી એક તાંતણે જોડાશે તેમ પણ સાંસદે કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના આંગણે સૌપ્રથમ વાર યોજાઈ રહેલ આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી 400 જેટલા ખેલાડીઓ ભાગ લેવાના છે.જેમાં ભાઈઓની ટુર્નામેન્ટ માટે ગૃપ ‘એ’ માં ભાવનગર, કચ્છ, મોરબી, ગૃપ ‘બી’ માં અમદાવાદ, જામનગર, સાબરકાંઠા, ગૃપ ‘સી’ માં વડોદરા, દેવભૂમિ દ્વારકા, સુરત, ગૃપ ‘ડી’ માં રાજકોટ, ભરૂચ, સુરેન્દ્રનગર જ્યારે ગૃપ ‘ઇ’ માં અમરેલી તથા આણંદની ટીમો જોડાશે.

જ્યારે બહેનો માટે ગૃપ ‘એ’માં અમદાવાદ, દેવભુમિ દ્વારકા, જામનગર, ગૃપ ‘બી’ માં પાટણ, વડોદરા, મોરબી, ગૃપ ‘સી’ માં ભાવનગર, આણંદ, રાજકોટ, ગૃપ ‘ડી’ માં ભરૂચ, અમરેલી, સુરતની ટીમો જોડાઈ પોતાનું કૌવત દાખવશે.

જામનગરના નાગરીકો સવારે 7 થી 11 તેમજ સાંજે 4 થી 9 વાગ્યા દરમિયાન સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ખાતે આ ટુર્નામેન્ટ નિહાળી શકશે.

આ પ્રસંગે જામનગરના મેયર બીનાબેન કોઠારી, ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, સેક્રેટરી શફિક શેખ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કોર્પોરેટર સુભાષ જોશી તથા પરાગ પટેલ, સુનિલ ઠાકર તેમજ બાસ્કેટબોલ સ્ટેટ તથા ડિસ્ટ્રીક્ટ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.