ગુજરાતનો દબદબો: ‘વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને રાષ્ટ્રીય સ્તરે ‘પોપ્યુલર ચોઈસ’ એવોર્ડ એનાયત

જાણવા જેવું દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી :

77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોએ ઈતિહાસ સર્જ્યો છે. ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ પર આધારિત ગુજરાતની ઝાંખીને ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં સતત ચોથી વખત પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. જે બદલ આજે નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

એવોર્ડ સ્વીકાર અને સન્માન

નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રીય રાજ્ય રક્ષામંત્રી સંજય સેઠના હસ્તે આ ગૌરવશાળી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય વતી આ ટ્રોફી અને પ્રમાણપત્રનો સ્વીકાર મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ કર્યો હતો. આ ઉપરાંત, વિવિધ રાજ્યોના કલાકારોની સાંસ્કૃતિક નૃત્ય સ્પર્ધામાં પણ ગુજરાતના નૃત્યને પ્રોત્સાહક ઈનામ મળ્યું છે.

ગુજરાતની વિજય પરંપરા (2023-2026)ગુજરાતે છેલ્લા ચાર વર્ષમાં ટેબ્લો શ્રેણીમાં કુલ 5 એવોર્ડ મેળવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે:

વર્ષ મુજબ ટેબ્લોની થીમ પ્રાપ્ત એવોર્ડની યાદી :

  • 2023 ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત પોપ્યુલર ચોઈસ – પ્રથમ ક્રમ
  • 2024 ધોરડો: વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ પોપ્યુલર ચોઈસ (પ્રથમ) અને જ્યુરીઝ ચોઈસ (બીજો)
  • 2025 વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ પોપ્યુલર ચોઈસ – પ્રથમ ક્રમ
  • 2026 સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ પોપ્યુલર ચોઈસ – પ્રથમ ક્રમ

ટેબ્લો નિર્માણ પાછળની ટીમ

ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા આ ટેબ્લોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. માહિતી કમિશનર કિશોર બચાણી અને અધિક માહિતી નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શન હેઠળ સંયુક્ત માહિતી નિયામક ડૉ. સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક ભાવના વસાવા દ્વારા સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતે આધુનિક વિકાસ અને પ્રાચીન વિરાસતના સમન્વયને જે રીતે રાષ્ટ્રીય મંચ પર રજૂ કર્યો છે, તેને દેશભરની જનતાએ વ્યાપક સમર્થન આપીને સતત ચોથા વર્ષે વિજેતા બનાવ્યું છે.