ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગર શહેરમાં શાંત ગણાતી રાત્રિના સમયે હવે ‘ધૂમ ગેંગ’ સક્રિય થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગત મંગળવારે મોડી રાત્રે ૧ વાગ્યાના અરસામાં કેટલાક માથાભારે તત્વોએ પોતાના ટુ-વ્હીલર પર સવાર થઈને શહેરના મુખ્ય માર્ગો પર ભયનો માહોલ પેદા કર્યો હતો. આ શખ્સોએ માત્ર પૂરપાટ ઝડપે વાહનો હંકારીને સ્પીડ બ્રેકર પરથી જોખમી રીતે કુદાવ્યા જ નહીં, પરંતુ મોટેથી ચીચિયારીઓ પાડીને આસપાસના રસ્તાઓ ગજવી દીધા હતા.
લોકોનો જીવ જોખમમાં, કાયદાનો કોઈ ડર નહીં..?
પંચેશ્વર ટાવરથી લઈ હવાઈ ચોક સુધીના વિસ્તારોમાં આ ટોળકીએ જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ બેફામ ડ્રાઇવિંગ કર્યું હતું. આ કરતૂતોને કારણે રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓમાં પણ અકસ્માતનો ભય ફેલાયો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સમગ્ર ઘટનાક્રમ આ મુજબ હતો
મંગળવારે મધ્યરાત્રિએ ૧ વાગ્યા પછી પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઈ ચોક વગેરે વિસ્તારમાં કેટલાક લોકોની ટોળકી દ્વારા ટુ-વ્હીલર પર જોખમી સ્ટન્ટ્સ અને ચીચિયારીઓ સાથે નીકળ્યા હતા.આ સમગ્ર હરકતના CCTV ફૂટેજના આધારે કડક પોલીસ કાર્યવાહીની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. જેથી આવા આવારા તત્વોની શાન ઠેકાણે લાવી શકાય.
સીસીટીવી તપાસી કાર્યવાહી કરવા માગ
શહેરની સુરક્ષા અને શાંતિ જોખમાતી જોઈને જામનગરના જાગૃત નાગરિકોમાં ઉગ્ર રોષ છે. લોકોની માગ છે કે:
શહેરના વિવિધ પોઈન્ટ્સ પર લાગેલા CCTV કેમેરા તપાસવામાં આવે.
નંબર પ્લેટના આધારે આ શખ્સોની ઓળખ કરી તેમની ધરપકડ થાય.
રાત્રિના સમયે પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.
નોંધ: જાહેર માર્ગો પર આ પ્રકારે ડ્રાઇવિંગ કરવું એ ગુનો છે અને તે અન્ય નિર્દોષ લોકોના જીવ માટે મોટું જોખમ ઊભું કરે છે.
