ધ્રોલ જોડિયા પંથકમાં ₹12 કરોડના ખર્ચે એસ.ટી.ની સુવિધાઓનું ખાતમુહૂર્ત: મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના હસ્તે ધ્રોલ ખાતે ₹6.63 કરોડના ખર્ચે આધુનિક એસ.ટી. ડેપો વર્કશોપ અને જોડિયા ખાતે ₹5.35 કરોડના ખર્ચે નવીન એસ.ટી. બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ અને મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

જનસેવા એ જ લક્ષ્ય : મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, નવા પ્રકલ્પોથી નાગરિકોની સુવિધામાં વધારો થશે અને પરિવહનના નવા રૂટ શરૂ કરી શકાશે. એક સમયે નબળી સ્થિતિમાં રહેલા એસ.ટી. નિગમે આજે કાયાપલટ કરી છે. એસી, વોલ્વો અને સ્લીપર કોચ જેવી સુવિધાઓને કારણે એસ.ટી. હવે વધુ લોકભોગ્ય બની છે. સરકારના અભિગમથી મોટા શહેરોના બસ સ્ટેશનો એરપોર્ટ જેવા આધુનિક બન્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, એસ.ટી. વિભાગ નફાની અપેક્ષા વગર ગરીબ અને મધ્યમ વર્ગ માટે સલામત મુસાફરીનું માધ્યમ બન્યું છે.

ધ્રોલ ડેપો વર્કશોપની વિશેષતાઓ

કુલ ખર્ચ: ₹6.63 કરોડ (663 લાખ)

જમીન અને બાંધકામ: 34,239 ચો.મી. જમીન પૈકી 1,547 ચો.મી.માં આર.સી.સી. સ્ટ્રક્ચર.

સુવિધાઓ: ડેપો મેનેજર ઓફિસ, એડમિન રૂમ, સ્ટોર રૂમ અને સ્પેરપાર્ટ્સ માટે અલગ વ્યવસ્થા.

ટેકનિકલ સવલત: બસોના મેઈન્ટેનન્સ માટે બે ‘લોન્ગ પીટ’ અને એક ‘યુ પીટ’નું નિર્માણ.

કર્મચારી સુવિધા: પ્રથમ માળ પર વર્કર રૂમ, રેકોર્ડ રૂમ અને મહિલા કર્મચારીઓ માટે રેસ્ટ રૂમ.

જોડિયા બસ સ્ટેશનની સવલતો

કુલ ખર્ચ: ₹5.35 કરોડ (535 લાખ)

મુસાફર સુવિધા: 5 પ્લેટફોર્મ, વિશાળ વેઈટીંગ હોલ, કેન્ટીન અને 4 સ્ટોલ.

વહીવટી વિભાગ: કંટ્રોલર રૂમ, ઇલેક્ટ્રિક રૂમ અને પાર્સલ રૂમ.

વિશેષ સગવડ: દિવ્યાંગો માટે ખાસ શૌચાલય અને રેમ્પ, ડ્રાઈવર-કંડક્ટર માટે અલગ રેસ્ટ રૂમ અને સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરીંગ.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન વિભાગીય નિયામક બી.સી. જાડેજાએ કર્યું હતું.