જામનગરના સૌ નાગરિકોને મેરી માટી મેરા દેશ તથા હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી થવા કલેક્ટરની અપીલ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર બી.એ.શાહે મેરી માટે મેરા દેશ તથા હર ઘર તિરંગા અભિયાન અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી સમગ્ર કાર્યક્રમ વિશેની ઝીણવટ ભરી માહિતી આપી હતી. કલેક્ટરએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના આહવાનને અનુલક્ષીને આગામી સ્વાતંત્ર્ય પર્વના રાષ્ટ્રીય પર્વ અંતર્ગત મેરી માટી મેરા દેશ તથા ઘર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જેમાં મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત ગામ દીઠ પાંચ ભાગમાં વિવિધ કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા છે.જેમાં શીલાફલકમ, પંચ પ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદના, વિરોને વંદન તથા ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન સહિતના આયોજનો હાથ ધરવામાં આવનાર છે. જામનગર જિલ્લામાં પણ તા. 9 થી 12 ઓગસ્ટ દરમિયાન જિલ્લાની દરેક ગ્રામ પંચાયતોમાં ઉપરોક્ત કાર્યક્રમો યોજાશે. સાથોસાથ ગામોમાં આવેલ શાળાઓ ખાતે પણ રાષ્ટ્રભક્તિની થીમ પર નિબંધ લેખન, વકતૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમમાં યોજાશે.તા.17 ઓગસ્ટના રોજ દરેક ગ્રામ પંચાયતમાંથી એકત્ર કરેલ માટી તાલુકા ખાતે લાવવામાં આવશે અને ઉપર મુજબના કાર્યક્રમો તાલુકા સ્તરે યોજાશે.

હર ઘર તિરંગા કાર્યક્રમનું પણ સમગ્ર જિલ્લામાં આયોજન થનાર છે જેના મુખ્ય કાર્યક્રમનું જામનગર મહાનગરપાલિકા ખાતે આયોજન થશે જેમાં દરેક ઘર, સરકારી ઇમારતો વગેરે પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે તેમ જણાવી જામનગર જિલ્લાના નાગરિકોને ઉપરોક્ત બંને કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભગી થઈ રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવવા કલેક્ટરએ આહવાન કર્યું હતું.

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેરમાં 1.25 લાખ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાશે.જ્યારે તાલુકા તથા ગ્રામ પંચાયતોમાં 47,500 તથા નગરપાલિકા વિસ્તાર માટે નગરપાલિકા દીઠ 5,000 મળી અંદાજિત બે લાખ જેટલા રાષ્ટ્રધ્વજનું સમગ્ર જિલ્લામાં 25 રૂપિયાના નજીવા દરે વિતરણ કરવામાં આવશે તેમ કલેક્ટરએ ઉમેર્યું હતું.

આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળના મુખ્ય કારોબારી અધિકારી સુજીજ્ઞાસા ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અંગત મંડોત, નાયબ મ્યુનિસિપલ કમિશનર ભાવેશ જાની સહિત પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતાં.