બજેટ 2026-27: વિકસિત ભારત અને આત્મનિર્ભર ગુજરાતના નિર્માણનો રોડમેપ, જામનગરમાં સાંસદ પૂનમ માડમની પત્રકાર પરિષદ

ગુજરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

કેન્દ્રિય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરવામાં આવેલ વર્ષ 2026-27ના કેન્દ્રિય બજેટના જનહિતકારી મુદ્દાઓને પ્રજા સુધી પહોંચાડવા માટે જામનગર ખાતે એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમે આ બજેટને ‘વિકસિત ભારત @ 2047’ ના લક્ષ્યને સાકાર કરનારું અને દરેક વર્ગને સ્પર્શતું બજેટ ગણાવ્યું હતું.

જામનગર અને ગુજરાત માટે મહત્વની જાહેરાતો

પત્રકાર પરિષદમાં સાંસદ પૂનમબેન માડમે ખાસ ઉલ્લેખ કર્યો કે આ બજેટમાં ગુજરાતના વિકાસ માટે અનેક મહત્વની જોગવાઈઓ છે:

* જામનગરને વૈશ્વિક ઓળખ: જામનગરમાં સ્થિત WHO ના ગ્લોબલ મેડિકલ સેન્ટરનું અપગ્રેડેશન કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.

* કનેક્ટિવિટી: પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીનો ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર ગુજરાતના વેપાર-ઉદ્યોગને નવી ગતિ આપશે.

* MSME હબ: ગુજરાતમાં 7 લાખ જેટલા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ હોવાથી, MSME સેક્ટર માટે જાહેર કરાયેલા 200 ક્લસ્ટર પાર્કનો સીધો લાભ રાજ્યના ઉદ્યોગકારોને મળશે.

* પ્રવાસન: લોથલ અને ધોળાવીરા સહિત દેશના 15 પુરાતત્વ સ્થાનોના વિકાસની જોગવાઈ કરવામાં આવી છે.

બજેટના મુખ્ય આકર્ષણો

આ રૂ. 53.5 લાખ કરોડનું બજેટ મુખ્યત્વે યુવાશક્તિ, નારીશક્તિ, કિસાનશક્તિ, શ્રમિક અને ઉદ્યમી શક્તિ પર કેન્દ્રિત છે.

નારીશક્તિ: મહિલા ઉદ્યોગસાહસિકતા માટે ‘શી માર્ટ્સ’ (She Marts) ની સ્થાપના અને દરેક જિલ્લામાં મહિલા હોસ્ટલ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

આરોગ્ય: કેન્સરની 17 દવાઓ પરથી ઈમ્પોર્ટ ડ્યુટી હટાવી દેવામાં આવી છે, જેનાથી ગંભીર બીમારીઓની સારવાર સસ્તી થશે.

સંરક્ષણ: દેશના સંરક્ષણ બજેટમાં 15.2% નો વધારો કરી તેને રૂ. 7.85 લાખ કરોડ કરવામાં આવ્યું છે.

કરદાતાઓ માટે રાહત: 1 એપ્રિલ, 2026 થી નવો ઇનકમ ટેક્સ એક્ટ લાગુ થશે. આ ઉપરાંત TCS દર 5% થી ઘટાડી 2% કરાતા વિદેશ અભ્યાસ સસ્તો થશે.

ખેતી અને ટેકનોલોજી: ખેડૂતો માટે AI આધારિત ‘Bharat Vistaar Tool’ લોન્ચ કરાશે.

પત્રકાર પરિષદમાં ઉપસ્થિત મહાનુભાવો

ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અને જિલ્લા મીડિયા વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમની સાથે ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, જિલ્લા મહામંત્રી અભિષેક પટવા તેમજ મીડિયા કન્વીનર ભાર્ગવ ઠાકર અને નરેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ પૂનમબેન માડમે અંતમાં જણાવ્યું હતું કે, આ બજેટ માત્ર આંકડાઓનો સરવાળો નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી એક મજબૂત યોજના છે.