બારડોલીના ત્વિષા વ્યાસની રાષ્ટ્રીય યુવા પુરસ્કાર માટે પસંદગી

ગુજરાત જાણવા જેવું

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, બારડોલી :

કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ કાર્યરત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૫ના ‘ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં યુવા રાષ્ટ્રીય પુરસ્કાર’ માટે ગુજરાતના બારડોલીના કલાકાર સુશ્રી ત્વિષા કિલ્લોલકુમાર વ્યાસની પસંદગી કરવામાં આવી છે. લોકનૃત્ય ‘ગરબા’ ક્ષેત્રે તેમના યોગદાન બદલ આ રાષ્ટ્રીય સન્માનની જાહેરાત થઈ છે. ઉલ્લેખનીય છે કે, યુનેસ્કો (UNESCO) દ્વારા ગુજરાતના પરંપરાગત ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન અપાયા બાદ આ પુરસ્કાર જાહેર થયો છે.

ત્વિષા વ્યાસ અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક હોવાની સાથે માસ્ટર ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ (M.P.A) અને ભરતનાટ્યમમાં M.A. (‘અલંકાર’ ગોલ્ડ મેડાલિસ્ટ) ની ડિગ્રી ધરાવે છે. તેઓ વાયોલિન વાદક પણ છે અને ભારતના રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુ તથા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સમક્ષ પ્રસ્તુતિ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ મેન્ડોલિન, વાંસળી, હાર્મોનિયમ અને તબલા જેવા વાદ્યો વગાડવામાં પણ નિપુણતા ધરાવે છે. હાલમાં તેઓ બારડોલી ખાતે ‘વી. કિલ્લોલકુમાર ગ્રુપ ઓફ મ્યુઝિક એન્ડ નૃત્ય એકેડેમી’ ચલાવીને નવી પેઢીને તાલીમ આપી રહ્યા છે.

તેમણે ગુજરાત સરકાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય તરણેતર મેળો, મોઢેરા ઉત્સવ, ચોટીલા ઉત્સવ, ડાકોર ફાગણોત્સવ, વસંતોત્સવ, અંબાજી મહોત્સવ, ગુજરાત ગૌરવ અભિયાન અને G-20 જેવા કાર્યક્રમોમાં કલા પ્રસ્તુત કરી છે. તેમજ સરકારી સ્પર્ધાઓ જેવી કે ‘કલા મહાકુંભ’ અને ‘યુવા ઉત્સવ’માં નિર્ણાયક તરીકે સેવાઓ આપી છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ, મણિપુર, પશ્ચિમ બંગાળ (કલકત્તા), ઝારખંડ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ તેઓ ગરબા અને લોકસંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.