ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
રાજકોટ બાદ હવે જામનગરમાં પણ નથુરામ ગોડસે પર આધારિત નાટકનો વિવાદ વકર્યો છે. જામનગરના ટાઉનહોલ ખાતે યોજાનાર આ નાટકનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેના પગલે આયોજકોએ નાટક રદ કરવાની જાહેરાત કરી હતી. છતાંપણ કોંગ્રેસના કાર્યકરોએ ટાઉનહોલ બહાર લગાવેલા નાટકના પોસ્ટર ફાડી પ્રદર્શન કર્યું હતું.
ટાઉનહોલ બહાર સૂત્રોચ્ચાર અને પ્રદર્શન
નાટક રદ થયા બાદ પણ જામનગર શહેર કોંગ્રેસના નેતા, કાર્યકરો ટાઉનહોલ બહાર એકઠા થયા હતા. કોંગી કાર્યકરોએ નથુરામના નાટકના પોસ્ટરો ફાડી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. “ગાંધીજીના હત્યારાનું નાટક ક્યાંય નહીં થવા દઈએ” અને “હત્યારા કોઈ દિવસ હીરો ન હોઈ શકે” જેવા સૂત્રોચ્ચારથી ટાઉનહોલ ગુંજી ઉઠ્યું હતું.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “ગોડસે જેવો આતંકવાદી અને નપુંસક વ્યક્તિ, જેણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી હતી, તેની વિચારધારાને યુવાનોમાં ઝેરની જેમ ફેલાવવાનું નાટક અમે ક્યારેય ચલાવીશું નહીં. ગાંધીજી સત્ય અને અહિંસાના પ્રતિક છે, જ્યારે ગોડસેની વિચારધારા દેશને તોડનારી છે. કોંગ્રેસ હંમેશા આવા તત્વો સામે લડતી રહેશે.”
રાજકોટમાં વિરોધ બાદ જામનગરમાં પણ આયોજકોએ નાટક રદ કર્યું હતું, કોંગ્રેસે જામનગર એસપીને પત્ર લખીને નાટક બંધ કરાવવા રજૂઆત કરી હતી. બે વર્ષ પહેલા પણ જામનગરમાં ગોડસેની પ્રતિમા તોડીને વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે રવિવારે રાત્રે નથુરામ નાટક બંધ રાખવામાં આવ્યું હોવા છતાં પણ કોંગ્રેસે ટાઉનહોલ ખાતે સુત્રોચ્ચાર કરી પોસ્ટર ફાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
