ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
સીટી એ. ડિવિઝન પોલીસનું મેગા ઓપરેશન: રીક્ષા, બુલેટ, સ્કૂટર સહિત ૧૩ વાહનો કબજે કરી કાયદાનું ભાન કરાવ્યુ
જામનગર શહેરમાં મોડી રાત્રે શાંતિ ભંગ કરી, બેફામ ડ્રાઇવિંગ અને ચિચિયારીઓ પાડી ભયનો માહોલ ફેલાવનારી ‘ધૂમ ગેંગ’ને જામનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ પાંજરે પૂરી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સીસીટીવી વિડીયોના આધારે હરકતમાં આવેલી પોલીસે ૫ સગીર સહિત કુલ ૨૪ શખ્સોને શોધી કાઢી શાન ઠેકાણે લાવી દીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
મંગળવારે રાત્રે ૧ વાગ્યા પછી પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ અને હવાઈ ચોક જેવા પોશ વિસ્તારોમાં આવારા તત્વોનું એક ટોળું ૧૩ જેટલા વાહનો સાથે નીકળ્યું હતું. આ ટોળકીએ રસ્તા પર બેફામ ગતિએ વાહનો હંકારી સ્ટંટ કર્યા હતા. સ્પીડ બ્રેકર પરથી જોખમી રીતે વાહનો ઠેકાડ્યા હતા. મોટેથી બૂમો પાડી શહેરીજનોની ઊંઘ હરામ કરી હતી. આ ઘટનાના વિડીયો વાયરલ થતા જ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું.
‘નેત્રમ’ અને સીટી એ. ડિવિઝનનું સંયુક્ત ઓપરેશન
જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ની ટીમે પીએસઆઈ બી.બી. સિંગલના નેતૃત્વમાં બેડીગેઇટ થી હવાઈ ચોક સુધીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજના આધારે વાહનોના નંબર મેળવી સીટી એ. ડિવિઝન પી.આઈ. એન.એ. ચાવડા અને તેમની ટીમને સોંપવામાં આવ્યા હતા. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આખી ટોળકીને દબોચી લીધી હતી.
પોલીસે કાર્યવાહી હાથ ધરી કુલ ૨૪ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં ૧૯ પુખ્ત અને ૫ સગીર વયના છે.કબજે કરેલા ૧૩ વાહનોમાં રીક્ષા, બુલેટ, એક્ટિવા, એક્સેસ વગેરેનો સમાવેશ થાય છે. રિયાઝ ગંઢાર, મોઇન સમા, નાસીર કકલ, જાકિર ગજીયા અને અન્ય શખ્સોને પોલીસે ઝડપી કાયદાનું ભાન કરાવ્યુ હતું. જેથી આ સમગ્ર મામલે ભવિષ્યમાં આવું નહીં કરવાની આપી કબૂલાત આપી છે.
પોલીસે તમામ ૨૪ શખ્સોને પોલીસ મથકે બોલાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. વાહન ચલાવનારા ૧૩ અને પાછળ બેસનારા ૧૧ શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસે તમામ વાહનો જપ્ત કર્યા છે. પોલીસની કડક પૂછપરછ અને સમજાવટ બાદ, આ તમામ શખ્સોએ ભવિષ્યમાં ક્યારેય આવું જોખમી કૃત્ય નહીં કરવાની અને શહેરની શાંતિ ન ડહોળવાની લેખિત કબૂલાત આપી હતી. જામનગર પોલીસની આ કામગીરીથી સ્ટંટબાજોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
