ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગર શહેરના દિગ્જામ સર્કલ વિસ્તારમાં આજે સવારથી જ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રેલવે વિભાગ દ્વારા વર્ષો જૂના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે એક ‘મેગા ડિમોલિશન’ હાથ ધરવામાં આવ્યું છે. રેલવેની આક્રમક કાર્યવાહીથી ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
દિગ્જામ સર્કલ વિસ્તારમાં ‘બુલડોઝર’ ફરી વળ્યું
લાંબા સમયથી રેલવેની માલિકીની કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવીને બેઠેલા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. દિગ્જામ સર્કલ જેવા મુખ્ય વિસ્તારમાં રેલવે લાઈનની આસપાસ થયેલા પાકા અને કાચા દબાણો, ઝૂંપડાઓને તોડી પાડવા માટે જેસીબી (JCB) અને ટ્રેક્ટરોની મદદ લેવામાં આવી રહી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રેલવે તંત્રએ સ્થાનિક પોલીસની મદદ લીધી છે. આ ઓપરેશનમાં જામનગર શહેર DYSP જયવીરસિંહ ઝાલા, ASP પ્રતિભા રાવ ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક અને રેલવે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
સુરક્ષા: 300થી વધુ પોલીસ કર્મીઓ અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ઉચ્ચ અધિકારીઓ: ASP પ્રતિભા રાવ તેમજ DySP સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને સમગ્ર ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા છે.
સાધનો: અનેક જેસીબી મશીનો દ્વારા ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે.
રેલવેનીની જમીન ખાલી કરાવવા માટે આ ઝુંબેશ હાથ ધરાઈ છે. સાંજ સુધીમાં તમામ નિર્ધારિત દબાણો દૂર કરી જમીનનો કબ્જો મેળવી લેવામાં આવશે : પ્રતિભા રાવ (ASP)
સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સાંજ સુધીમાં આ વિસ્તારના તમામ દબાણો સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવશે. વર્ષોથી જામી ગયેલા આ દબાણો દૂર થતાં રેલવેના વિકાસકાર્યોને વેગ મળશે અને કરોડોની કિંમતી સરકારી મિલકત સુરક્ષિત થશે.
