જામનગરના કુખ્યાત સાયચા બંધુની વધુ 6 મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યુ…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરના જાણીતા વકીલની હત્યા નીપજાવવાનો જેના પર આરોપ લગાવાયો છે, તે સાયચા ગેંગ હત્યાની ઘટનાને અંજામ આપી ભાગી છુટ્યા પછી તેઓની મિલકતોને નેસ્ત નાબૂદ કરી દેવા માટે પોલીસ તંત્રએ કમર કસી છે, અને ખુદ જિલ્લા પોલીસવડા આજે વહેલી સવાર થી મેદાનમાં આવી ગયા છે, અને સાયચા ગેંગના સમગ્ર સામ્રાજ્યને નેસ્ત નાબૂદ કરી દેવાના ભાગરૂપે બેડી વિસ્તારમાં આજે મેગા ડિમોલેશન હાથ ધર્યું છે.

અગાઉ ત્રણ બંગલા જમીનદોસ્ત કર્યા પછી આજે સાયચા ગેંગની વધુ છ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાયું છે, અને સરકારી કરોડો રૂપિયાની કીમતી ગણાતી ૫૫ હજાર વર્ગ ફૂટ જમીનને ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેને લઈને બેડી વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ છે.

જામનગરના પચવટી વિસ્તારમાં રહેતી એક શિક્ષિકા ને આત્મહત્યા ની ફરજ પાડવા માટેનો સૌપ્રથમ પોલીસ મથકમાં સાયચા ગેંગના બે શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જે કેસમાં પોલીસે બંનેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા, ત્યારબાદ અદાલતમાં જામીન અરજીની સુનાવણી વખતે અદાલતી તારીખમાં શિક્ષિકા આપઘાત કેસ ના ફરિયાદી બનેલા મૃતકના ભાઈ અને તેના વતી કેસ લડતા વકીલ હારૂન પલેજા કે જેને અદાલતમાં ધાકધમકી અપાઈ હતી. જે અંગેનો બીજો ગુનો પણ પોલીસમાં નોંધાવાયો હતો.

ત્યારબાદ સમગ્ર ઘટનાનું મનદુઃખ રાખીને સાયચા ગેંગના સાગરીતો એ મળીને તાજેતરમાં જામનગરના એડવોકેટ હારુન પલેજા ની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી.

જે બનાવ ના સંદર્ભમાં પોલીસે સાયચા ગેંગ ના 15 સભ્ય સામે ગુનો નોંધ્યો છે, અને હાલ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તમામની શોધખોળ ચલાવાઇ રહી છે.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના ગુન્હેગારો ને ડામી દેવાના આહવાન બાદ જામનગરમાં કોઈ પણ પ્રકારની ગેંગવોર રહે નહીં, અને આવા ગેંગ ના સભ્યોને નેસ્ત નાબૂદ કરવા માટેની જિલ્લા પોલીસવડા ને ખાસ સુચના અપાઇ હતી.

જેના અનુસંધાને એસ.પી. પ્રેમસુખ ડેલૂ સમગ્ર પ્રકરણ મામલે એક્શનમાં આવી ગયા છે, અને ગેંગવોર ખતમ કરી દેવાના ભાગરૂપે આજે વહેલી સવારથી બેડી વિસ્તારમાં મેગા ડિમોલેસન હાથ ધર્યું હતું. સાયચા ગેંગ સામે અગાઉથી પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એક્ટ અંગેની જુદી જુદી બે ફરિયાદો નોંધવામાં આવી છે, જેની પણ તપાસ ચાલુ છે. અને તેના અનુસંધાને સાયચા ગેંગ ના અગાઉ ત્રણ બંગલાને તોડી પાડવામાં આવ્યા હતા, અને તેના પર બુલડોઝર ફેરવાયું હતું.

ત્યારબાદ આ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે, અને આજે સાયચા ગેંગની એકી સાથે વૈભવી બંગલા સહિતની વધુ 6 મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ફરી એકવાર જામનગરના બેડી માં કુખ્યાત સાયચા ગેંગના  ગેરકાયદેસર દબાણ ઉપર દાદા નું બુલડોઝર ફેરવવાનું શરૂ થયું છે.