જામનગર SOGનો મોટો સપાટો: હોટલમાંથી ૮૩ લાખથી વધુની કિંમતના હેરોઈન સાથે પંજાબની ગેંગ ઝડપાઈ

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં નશીલા પદાર્થોના વેપારને નેસ્તનાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “No Drugs In Jamnagar” અભિયાનને મોટી સફળતા મળી છે. જામનગર એસ.ઓ.જી. (SOG) શાખાએ મોટી ખાવડી વિસ્તારમાં આવેલી એક હોટલમાં દરોડો પાડીને પંજાબના ચાર શખ્સોને ૮૩.૬૦ લાખની કિંમતના હેરોઈન સાથે ઝડપી પાડ્યા છે.

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ, એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. ચૌધરી અને તેમની ટીમ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ ડોરીયા, મયુરરાજસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ ફિરોજભાઈ ખફી, બળભદ્રસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવને બાતમી મળી હતી કે મોટી ખાવડીની ‘હોટલ ૬૬૬’ ના રૂમ નંબર ૨૦૨માં પંજાબથી આવેલા કેટલાક શખ્સો નશીલા પદાર્થ સાથે રોકાયેલા છે.

“No Drugs In Jamnagar” અભિયાન હેઠળ મેઘપર પડાણા વિસ્તારની હોટલમાં દરોડો પાડી ૪૧૮ ગ્રામ માદક પદાર્થ અને ૭ મોબાઈલ સહિત ૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત.

મુદ્દામાલ અને ધરપકડ: બાતમીના આધારે પોલીસે હોટલ પર દરોડો પાડતા ત્યાંથી પંજાબના વતની એવા ચાર શખ્સો પાસેથી ૪૧૮ ગ્રામ હેરોઈન (કિંમત રૂા. ૮૩,૬૦,૦૦૦) મળી આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે સાત મોબાઈલ ફોન, રોકડ રકમ અને વજન કાંટો મળી કુલ રૂા. ૮૪,૧૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓ:વિશાલસિંગ જસવિરસિંગ મટ્ટુ, હરપ્રીતસિંગ તેગાસિંગ મજવી, બિક્રમજીતસિંગ અમરજીતસિંગ મજવી અને જગદીપસિંગ ઉર્ફે જગ્ગી લખબીરસિંગ ખેહરા આ તમામ આરોપીઓ વિરુદ્ધ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

યુવાધનને બરબાદ કરતા નશાના કારોબાર વિરુદ્ધ પોલીસની આ કાર્યવાહીથી નશીલા પદાર્થોના સોદાગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.