ગીરના સિંહોની સુરક્ષા માટે રેલવેનો મોટો નિર્ણય : 5 નવા અંડરપાસ અને AI સિસ્ટમ કાર્યરત થશે

ગુજરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી :

ગીરના જંગલમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને રેલ અકસ્માતો અટકાવવા માટે રેલવે મંત્રાલય દ્વારા મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં આ અંગેની વિગતો રજૂ કરી હતી.

નવા અંડરપાસનું નિર્માણ: સિંહોની સલામત અવરજવર માટે હાલમાં બે અંડરપાસ કાર્યરત છે, જ્યારે વધારાના 5 નવા અંડરપાસ બાંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

AI-આધારિત સુરક્ષા: પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળના દામનગર-પીપાવાવ સેક્શનના 115 કિમી વિસ્તારમાં ‘ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ’ (IDS) લાગુ કરવામાં આવશે. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ રેલવે ટ્રેક નજીક સિંહોની હાજરી વિશે લોકો પાયલટ અને કંટ્રોલ રૂમને ત્વરિત એલર્ટ આપશે.

ટ્રેનની ગતિ પર નિયંત્રણ: ગીર વિસ્તારમાંથી પસાર થતું રેલવે નેટવર્ક હાલ મીટરગેજ છે. સિંહોની મૂવમેન્ટવાળા નિર્ધારિત કોરિડોરમાં વન્યજીવોની સુરક્ષા ખાતર ટ્રેનોની ગતિ મર્યાદિત રાખવામાં આવે છે.

સંકલન સમિતિઓ: રેલવે અને વન વિભાગ વચ્ચે યોગ્ય તાલમેલ જળવાઈ રહે તે માટે સર્કલ, ડિવિઝનલ અને રેન્જ લેવલ પર સમિતિઓ બનાવવામાં આવી છે, જે સમયાંતરે બેઠકો યોજીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરે છે.

સાંસદ પરિમલ નથવાણીએ ગીરમાં એલિવેટેડ રેલ કોરિડોર બનાવવાની શક્યતા અને તેના અમલીકરણ અંગે પણ સરકાર પાસે વિગતો માંગી હતી, જેના જવાબમાં મંત્રાલયે હાલની સુરક્ષા વ્યવસ્થાઓ અને ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો છે.