સ્થાનિક ચૂંટણી પહેલાં ‘બાપુ’ની એન્ટ્રી: દેવા માફી મુદ્દે રાજકોટથી શંકરસિંહ વાઘેલા ગજવશે મેદાન

ગુજરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, રાજકોટ :

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર સક્રિય રાજકારણમાં ઝંપલાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. રાજકોટમાં ઠેર-ઠેર લાગેલા હોર્ડિંગ્સ અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે.

‘સબકા હોગા કરજ માફ’: ૨૬ ફેબ્રુઆરીએ મહાસભા

શંકરસિંહ વાઘેલા દ્વારા ‘સબકા હોગા કરજ માફ’ ના નારા સાથે દેશવ્યાપી આંદોલન છેડવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આગામી ૨૬ ફેબ્રુઆરીના રોજ રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશભરમાંથી અગ્રણીઓ આવશે: આ સભામાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો હાજર રહેવાની શક્યતા છે.

ખેડૂતોનું શક્તિપ્રદર્શન: સૌરાષ્ટ્રના ખૂણેખૂણેથી મોટી સંખ્યામાં ખેડૂતો આ આંદોલનમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને દેવા માફીના મુદ્દે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સરકાર સામે મોરચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ શંકરસિંહ વાઘેલાએ આક્રમક તેવર બતાવી સરકાર સામે સીધી બાયો ચઢાવી છે. રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં આ સભાના પ્રચાર માટે મોટા હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે.

દેવા માફીનું આ આંદોલન હાલ દેશના અન્ય રાજ્યોમાં પણ ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં રાજકોટને તેનું કેન્દ્ર બનાવી ‘બાપુ’ ફરી એકવાર જનતાનો અવાજ ઉઠાવવા જઈ રહ્યા છે.