જામનગરમાં ભાજપની મુરતિયા પસંદગીમાં ઇન્તજાર સાથે અનેક અટકળો…, યાદીમાં સારા કે પછી મારા? કોનો સમાવેશ તેના પર સૌની મીટ

ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં મુરતિયા મંથનમાં સારો નહીં પણ મારો હોવો જોઈએ.. એ રીતે કેટલાક ચૂંટાયેલા નેતાઓએ લોબીંગ કર્યાનું ચર્ચાઈ રહ્યું છે. અને આ પ્રકારનું સિલેક્શન ઇલેક્શનમાં નુકસાન પણ પહોંચાડી શકે તેવું બુદ્ધિજીવીઓમાં ચર્ચાઈ રહ્યું છે.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ પાર્ટીના મંથનને લઈને અનેક અટકળો ચાલી રહી છે બપોરે 12 વાગ્યા સુધીમાં ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા વિધિવત રીતે પ્રસિદ્ધ નથી કરાઈ. બીજી તરફ પાર્લામેન્ટરી બોર્ડ અને સંકલન માટે ગયેલા પદાધિકારીઓ પણ મંથન કરી જામનગર પર આવી રહ્યા છે. તેમાં અનેક વિસ્તારોમાં નબળા ઉમેદવારો મુકવા પોતાના ની આગળ વધારવાની છેક સુધી હઠ પકડીને કેટલાક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ ભૂમિકા ભજવી હોવાનું મનાઈ રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટીની જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારોની યાદી હજી બહાર આવી નથી ત્યાં જ કેટલા વર્તમાન કોર્પોરેટરના પત્તા કપાતા હોવાનું જણાવતા ખુલ્લો બળવો પણ ક્યાંક આ વખતે ભાજપને સીટોમાં નુકસાન પહોંચાડે તેમ છે. તો બીજી તરફ નવા ઉમેદવારોને તક આપવામાં પણ લાયકાતના ધોરણને બદલે ક્યાંક ને ક્યાંક અંગત અને નબળા ઉમેદવારને પણ આગળ વધારવા પ્રયત્ન કરાયા હોવાનું ચર્ચાઈ છે.

ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ પહેલા મળેલા મહાનગરપાલિકાના ઉમેદવારો પસંદગી માટેના સંકલનમાં પણ જે તે વિસ્તારના ધારાસભ્યને અગ્રીમતા હોય છે. આ મોકળા મેદાન મળતા જ લાયક અને પ્રબળ ઉમેદવારને કાપવા પોતાના નબળા ઉમેદવારને આગળ વધારવા ધમ પછાડા પણ કર્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

જામનગરના 79 વિધાનસભામાં ભાજપના ગઢ ગણાતા વોર્ડમાં પણ મુરતિયા પસંદગીને લઈને અનેક લોકો રાહ જોઈને બેઠા છે. ત્યાં ધારાસભ્ય અને પાર્લામેન્ટરી બોર્ડ ઉપરાંત સંગઠનને યોગ્ય ઉમેદવાર કયો લાગ્યો અને જાહેર કર્યો છે? તેને લઈને ઈંતજારી છે. પરંતુ મોડી યાદી પ્રસિદ્ધ કરવાની ભાજપની ઇન્તઝારીમાં દાવેદારોમાં પણ ક્યાંક છૂટો રોષ અને આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. જે યાદીમાં યોગ્ય ઉમેદવારોના નામ નહીં આવે તો ક્યાંક ચૂંટણી દરમિયાન ભારે પણ પડી શકે છે.

હવે જોવાનું એ રહ્યું કે, ભાજપનું મવડી મંડળ અને પાર્લામેન્ટરી બોર્ડની તૈયાર થયેલી યાદી કરેક્શન સાથે યોગ્ય ઉમેદવાર વાળી આવે છે કે, પછી સારાને બદલે મારો.. ઉમેદવાર વાડી આવે છે. આ યાદી આવતા જ ક્યાંક ખુલ્લો તો… ક્યાંક આંતરિક રોષ પણ પરિણામ પર અસર લાવી શકે છે. પરંતુ ક્યાંક એવું પણ ચર્ચા રહ્યું છે કે, વિલંબમાં આવતી યાદીમાં આ પ્રકારના ડેમેજને કંટ્રોલ પણ કરાઈ શકે છે.