ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઠેર ઠેર ટિકિટ ફાળવ્યા બાદ અસંતોષ ની આગ ફાટી નીકળી છે. ત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ આગને લઈને મનામણાં કરવા નીકળી પડ્યા છે. ત્યારે જામનગરમાં પણ ટિકિટની ફાળવણીને લઈને સારા નહીં પણ મારા ઉમેદવારને ધારાસભ્ય એ ટિકિટ અપાવી હોવાની ચર્ચાથી ભાજપનો અસંતોષ સપાટી પર આવી રહ્યો છે. જોકે ધારાસભ્ય પણ હવે મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે પ્રદેશમાંથી ખુદ પ્રમુખ પણ આ અસંતોષની આગ ઠારવા દોડી આવે તો નવાઈ નહીં.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં કે જ્યાં ખુદ ધારાસભ્ય દિવ્યેશ અકબરી જ કોર્પોરેટર હતા. જ્યાં આખી ટર્મ દરમિયાન પોતે ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પણ કોર્પોરેટર તરીકે ચાલુ રહ્યા હતા. અને હવે તેના અંગત મનીતા એક નબળા ઉમેદવારને ટિકિટ આપી હોવાનું લોકોમાં જોર શોરથી ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ધારાસભ્ય પણ હવે આ અસંતોષની આગમાં જુના જોગીઓ અને પ્રબળ દાવેદારોમાં અળખામણા બનતા જાય છે. અને આ વાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતાગીરી સુધી પહોંચી હોવાનું મનમાં આવે છે.
સ્થાનિક ભાજપ સંગઠન સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓની અવગણના કરતા જ્યારે પ્રદેશ પ્રમુખ કહેતા હોય છે કે મારો નહીં પણ સારો ઉમેદવાર જોશે… અને જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના વોર્ડમાં જ પોતાના માનિતા ઉમેદવારો મૂકવામાં આવ્યા છે ત્યારે સારાને બદલે મારા નું સિલેક્શન થયું હોય તેવું ચોક્કસ દેખાઈ આવે છે અને લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જેને લઈને પક્ષના કાર્યક્રમોમાં અદના કાર્યકરો અને જૂના જોગીઓની અવગણનાને લઈને નારાજગી સ્પષ્ટ દેખાઈ આવે છે. તે પરિણામમાં પણ અસર કરી શકે તેમ છે. ત્યારે આ ડેમેજ કંટ્રોલ કરવા માટે ફોર્મ ભરાઈ ગયા બાદ પણ સ્થાનિક ઉમેદવારો અને આ ધારાસભ્ય સહિતના નેતાઓ કંઈ ખાસ ઉકાળી શક્યા નથી.
અસંતોષની આગ ભાજપને ભાજપ જ હરાવે તે પ્રકારની પરિસ્થિતિ બનતી જઈ રહી છે. કોર્પોરેશન, તાલુકા અને જિલ્લા પંચાયત ઉપરાંત આવનાર સમયમાં ધારાસભા અને લોકસભાની ચૂંટણીમાં વિપરીત અસર કરે તે માટે જોવામાં આવી રહી છે જેને લઈને ખુદ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી જ અન્ય જિલ્લાઓના પ્રવાસ પતાવી જામનગર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે અને ત્યારબાદ પણ સ્થાનિક ધારાસભ્ય અને નેતાઓએ પોતાની મનમાની ચલાવી છે તે અંગે કાર્યકરોને મનામણા કરાય તેવી પણ શક્યતા હોવાનું મનાઈ રહ્યું છે.
