દિલ્હીમાં PM મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વચ્ચે મુલાકાત: વિકાસ કાર્યોની થઈ ચર્ચા

ગુજરાત દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી :

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાતમાં ચાલતા વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

પ્રાકૃતિક કૃષિ અને વીજળી બચત અભિયાન…

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીને ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને તેના પરિણામો વિશે માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત, તેમણે રાજ્યમાં વીજળી બચત માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની વિગતો આપી હતી. ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, વિશ્વવિદ્યાલયો અને નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં વીજળી બચતનું અભિયાન ચાલી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગ્રામ કલ્યાણ કાર્યક્રમોની સમીક્ષા…

મુલાકાત દરમિયાન ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમો અંગે પણ ચર્ચા થઈ હતી. રાજ્યપાલશ્રીએ ગ્રામીણ સ્તરે સ્વચ્છતા, વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ, શિક્ષણ, રોજગાર, આરોગ્ય, નશામુક્તિ, પશુપાલન, સરકારી યોજનાઓ, પ્રાકૃતિક કૃષિ અને સામાજિક સમરસતા માટે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો પ્રધાનમંત્રીને આપી હતી. તેમજ ગ્રામજનો સાથેના સીધા સંવાદ દ્વારા મળેલા પ્રતિભાવો વિશે અવગત કર્યા હતા.