રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લતીપુરમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાત દરમિયાન પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગામની શાળામાં રાત્રિરોકાણ કર્યા બાદ, વહેલી સવારે તેમણે સ્થાનિક ખેડૂત કલ્પેશભાઈ માલાણીની વાડીમાં ગૌ દુગ્ધ દોહન કર્યું હતું. આ ઉપરાંત, તેઓ પ્રાકૃતિક ખેતી કરતા બળદેવભાઇ ખત્રાણીના ‘માતૃકૃપા ફાર્મ’ની મુલાકાતે પણ ગયા હતા.

ફાર્મની મુલાકાત દરમિયાન રાજ્યપાલે વિવિધ ખેતી પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત ગુલાબમાંથી ગુલકંદ બનાવવાની પ્રક્રિયા અને અન્ય મૂલ્યવર્ધિત પેદાશો નિહાળી હતી. તેમણે જણાવ્યું હતું કે, પેદાશોનું મૂલ્યવર્ધન કરીને પ્રાકૃતિક કૃષિ દ્વારા રાસાયણિક ખેતી કરતાં પણ વધુ આવક મેળવી શકાય છે. આ સાથે તેમણે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કર્યા હતા.

રાજ્યપાલે ખેતરમાં ગુલાબ તેમજ મગફળીના પાકનું નિરીક્ષણ કરવાની સાથે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવા ‘ઘન જીવામૃત’ અને નિમાસ્ત્રની બનાવટની પ્રક્રિયા જોઈ હતી.

સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ સાધતા તેમણે જણાવ્યું હતું કે, જમીનનો ઓર્ગેનિક કાર્બન જેટલો વધુ હશે, ખેતી એટલી જ વધુ સમૃદ્ધ બનશે. જંગલના વૃક્ષો કોઈ પણ ખાતર કે કૃત્રિમ પાણી વગર પ્રાકૃતિક રીતે પોષણ મેળવીને લીલાછમ રહે છે, તે જ રીતે ખેતી પણ પ્રકૃતિ આધારિત હોવી જોઈએ.

તેમણે ખેડૂતો પાસેથી પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં નડતી મુશ્કેલીઓ જાણીને તેના ઉપાયો સૂચવ્યા હતા. તેમણે દરેક ખેડૂતને પ્રાયોગિક ધોરણે ઓછામાં ઓછી એક એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરવા આહ્વાન કર્યું હતું.

ખેડૂત બળદેવભાઇ ખત્રાણીએ ખેતરની મુલાકાત લેવા બદલ રાજ્યપાલનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ મુલાકાત અને તેમના માર્ગદર્શનથી ખેડૂતોનો ઉત્સાહ વધશે.