ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર :
ગુજરાત સરકાર દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ‘આપદા મિત્ર’ પ્રોજેક્ટને વેગ આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા વર્ષ ૨૦૧૬માં ભરૂચ જિલ્લાથી ૨૦૦ આપદા મિત્રો સાથે શરૂ થયેલી આ યોજના હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના ગામ અને શહેરો સુધી વિસ્તરી છે.
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપનની યાદી અનુસાર, વર્તમાન “યુવા આપદા મિત્ર સ્કીમ” અંતર્ગત રાજ્યના ૧૭ જિલ્લાઓ માટે NCC, NSS, MYB, અને BS&G ના કુલ ૧૧,૮૫૦ સ્વયંસેવકોના લક્ષ્યાંક સામે પ્રથમ તબક્કામાં ૪,૫૨૬ યુવાનોને સફળતાપૂર્વક તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. આપત્તિ જોખમ વ્યવસ્થાપનમાં મહિલાઓની ભૂમિકા વધારવા માટે આ યોજનામાં તેમની ૫૦ ટકા ભાગીદારીનું વિશેષ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
૭ દિવસની પ્રાથમિક અને સ્પીપા દ્વારા એડવાન્સ તાલીમ આપદા મિત્ર એ સામાજિક કક્ષાએ શારીરિક અને માનસિક રીતે સક્ષમ એવા ૧૮ થી ૪૦ વર્ષના સ્થાનિક યુવા સ્વયંસેવકોનું જૂથ છે, જેઓ આપત્તિના સમયે બચાવ કામગીરી કરે છે. અગાઉ “અપ સ્કેલિંગ ઓફ આપદા મિત્ર સ્કીમ” અંતર્ગત ૧૭ જિલ્લાના ૫,૫૦૦ આપદા મિત્રોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) મારફત ૧૨ દિવસની તાલીમ અપાઈ હતી.
જ્યારે વર્તમાન યોજનાના પ્રથમ ચરણમાં SDRF અને માસ્ટર ટ્રેનર્સ દ્વારા ૭ દિવસની તાલીમ આપવામાં આવે છે અને બીજા ચરણમાં સ્પીપા (SPIPA) મારફત એડવાન્સ તાલીમનું આયોજન છે. આ યોજનામાં અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, રાજકોટ, સુરત, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે.
સાધન-સહાય અને ઇમરજન્સી કીટ બચાવ કામગીરીને વધુ સક્ષમ બનાવવા માટે તાલીમ પામેલા આપદા મિત્રોને રૂ. ૧૦ હજારની કિંમતની ‘Emergency Responder Kit’ (ERK) આપવામાં આવે છે. જેમાં લાઇફ જેકેટ, સોલાર ટોર્ચ, ફર્સ્ટ એઇડ કીટ, હેલ્મેટ અને ૫૦ મીટર લાંબુ દોરડું જેવી ૧૫ અનિવાર્ય વસ્તુઓ સામેલ છે.
આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ મોટા પાયે ઓપરેશન ચલાવવા માટે રૂ. ૧૯ લાખની કિંમતની ‘EERR’ કીટ અનામત રાખવામાં આવે છે, જેમાં અદ્યતન ઈન્ફ્લેટેબલ રેસ્ક્યૂ બોટ, ચેન સો મશીન, સેટેલાઇટ GPS અને વોકી-ટોકી જેવા સાધનો હોય છે.
તાલીમ માટેના માપદંડ અને પ્રોત્સાહન
ઉંમર: ૧૮ થી ૪૦ વર્ષ (ભૂતપૂર્વ સૈનિક, નિવૃત્ત તબીબી વ્યાવસાયિકો અને સિવિલ એન્જિનિયરો માટે વય મર્યાદામાં છૂટછાટ).
લાયકાત: ઉમેદવાર સંબંધિત જિલ્લાનો રહેવાસી હોવો જોઈએ અને ઓછામાં ઓછું ધોરણ-૭ પાસ હોવું જરૂરી છે.
પ્રોત્સાહન: તાલીમ બાદ પ્રમાણપત્ર, ઓળખપત્ર અને સામાજિક સુરક્ષા માટે ત્રણ વર્ષ સુધી રૂ. ૫ લાખનું વીમા કવચ આપવામાં આવે છે.
ભૂતકાળમાં કોવિડ-૧૯ મહામારી અને વર્ષ ૨૦૨૦ના પૂર દરમિયાન ભરૂચ જિલ્લાના આપદા મિત્રોએ વહીવટી તંત્ર સાથે મળીને કામગીરી કરી હતી. કોઈપણ આપત્તિ સમયે સામાન્ય નાગરિકો કે વહીવટી તંત્ર જિલ્લા કક્ષાના ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC)નો સંપર્ક કરી આ આપદા મિત્રોની મદદ મેળવી શકે છે, જ્યાં તેમની સંપૂર્ણ સંપર્ક સૂચિ ઉપલબ્ધ હોય છે.
