જામનગરમાં 21 જૂને ‘વિશ્વ યોગ દિવસની કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ઉજવણી

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર : 

આવતીકાલે તા. 21મી જુનના રોજ 9 માં ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે. જે અન્વયે, રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ સુરતમાં કરવામાં આવશે. તેમજ દરેક જિલ્લાથી લઈને તાલુકા કક્ષા સુધી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

જામનગરમાં જિલ્લા કક્ષાએ, મહાનગરપાલિકા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જામનગરમાં ક્રિકેટ બંગલો ગ્રાઉન્ડ ખાતે મુખ્ય મહેમાન અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. જેમાં અંદાજિત 5000 જેટલા લોકો દ્વારા યોગ કરવામાં આવશે.

જામનગરમાં વિશ્વ યોગ દિવસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ :-

સવારે 05:45 થી 06:15 દરમિયાન મહેમાનોનું આગમન, 06:15 થી 06:20 દરમિયાન મહેમાનોનું સ્વાગત અને 06:20 થી 06:30 મહાનુભાવોનું ઉદબોધન કરાશે. 06:30 થી 06:40 મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રવચનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. તેમજ 06:40 થી 07:00 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સવારે 07:00 થી 07:45 કલાક દરમિયાન યોગ શિક્ષક દ્વારા કોમન યોગ પ્રોટોકોલ અને 07:46 કલાકે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવશે.

ઉક્ત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પદાધિકારીઓ, જિલ્લા કક્ષાની કચેરીઓના તમામ અધિકારીઓ, પોલીસ જવાનો, હોમ ગાર્ડ્ઝ તેમજ એન. સી. સી. કેડેટ્સ મોટી સંખ્યામાં હાજરી આપશે. તેમજ જિલ્લાના મુખ્ય એસોસિયેશન, સ્વૈચ્છિક સંસ્થાઓ અને એન. જી. ઓ. દ્વારા પણ ભાગ લેવામાં આવશે.

ઉક્ત કાર્યક્રમમાં જામનગરની તમામ જાહેર જનતાને ઉપસ્થિત રહેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે.