ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, છોટાઉદેપુર :
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી અને વનવાસી વિસ્તાર ગણાતા વાસણા (કોષિન્દ્રા) ગામે ગત શનિવાર, ૧૧ જુલાઈ ૨૦૨૬ના રોજ એક વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકા શારદાપીઠ દ્વારા સંચાલિત ‘શ્રી આનંદ વર્ધન આશ્રમ’નું શુભ ઉદ્ઘાટન દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના વરદહસ્તે સંપન્ન થયું હતું.
૨૫ આદિવાસી ભાઈ-બહેનોનો સ્વધર્મમાં પુનઃ પ્રવેશ
આશ્રમના ઉદ્ઘાટન મહોત્સવના પાવન અવસરે પૂજ્ય શંકરાચાર્યજી સાન્નિધ્યમાં એક પ્રેરણાદાયી ઘટના બની હતી. આ વિસ્તારના ૨૫ જેટલા આદિવાસી અને વનવાસી ભાઈ-બહેનોએ કોઈપણ દબાણ વગર, સંપૂર્ણપણે સ્વેચ્છાએ ગંગાજળ ગ્રહણ કરીને અને મહારાજશ્રી પાસેથી ભગવાન શ્રીરામના મંત્રની દીક્ષા મેળવીને પુનઃ સનાતન હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો. આ તકે તેઓએ દ્રઢ સંકલ્પ કર્યો હતો કે, “અમે હિન્દુ હતા, હિન્દુ છીએ અને હંમેશાં હિન્દુ ધર્મનું જ પાલન કરીશું.”
સ્વધર્મઆનયન પ્રકલ્પને મળશે વધુ મજબૂતી: શંકરાચાર્યજી
નવવિર્મિત આશ્રમનું ઉદ્ઘાટન કર્યા બાદ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ આદિવાસી વિસ્તારમાં સતત ‘સ્વધર્મઆનયન યાત્રા’ (ઘરવાપસી અભિયાન) ચલાવી રહ્યા છે. આજે વાસણા ગામમાં દ્વારકા શારદાપીઠ દ્વારા આશ્રમની સ્થાપના થવાથી આ પ્રકલ્પને વધુ વેગ અને મજબૂતી મળશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હવે તેઓ વધુ ગતિથી ગામડે-ગામડે ભ્રમણ કરશે અને ભોળા આદિવાસી તેમજ વનવાસી ભાઈ-બહેનોને સમજાવશે કે આપણે આપણા મૂળ ધર્મનો ત્યાગ કેમ ન કરવો જોઈએ. આ સાથે જ તેઓ ગ્રામજનોને સનાતન ધર્મની પરંપરાઓ અને તેનું પાલન કઈ રીતે કરવું તે અંગેના આશીર્વચન અને માર્ગદર્શન પૂરું પાડશે.
