ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગરમાં સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે તૈયાર કરવામાં આવેલ પ્રાકૃતિક ખેડૂત હાટનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. અને જામનગર જિલ્લાની પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી મેળવી હતી.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની રસાયણમુક્ત પેદાશોના સીધા વેચાણ માટે સ્થાયી બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ કૃષિ વેચાણ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર દ્વારા જામનગરના વિવિધ તાલુકાઓના પ્રાકૃતિક કૃષિ કરતા ૧૮ જેટલા ખેડૂતોને તેમના શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, મસાલા, તેલ, ગોળ અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદન આધારિત પ્રોડક્ટ્સનું સીધું વેચાણ કરવાની તક મળશે.
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજા, મેયર મોનિકા વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, કલેક્ટર પી.બી.પંડ્યા, જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર કે.એસ.ઠક્કર, અધિકારીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેડૂત હાટનું લોકાર્પણ કર્યું ત્યારે ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્કના એડિટર કિંજલ કારસરીયા સાથે પ્રાકૃતિક ખેતી અને તેની ખેતપેદાશોથી જનજીવનમાં આરોગ્યપ્રદ રહે તે મુદ્દે વાતચીત કરી હતી.
