ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગર જિલ્લાના લતીપર ગામની મુલાકાતે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને ગામના એક સામાન્ય પરિવારના ઘરે ભોજન લીધું હતું. સામાજિક સમરસતાના સંદેશ સાથે તેઓ લતીપર ગામના રહીશ સુરેશભાઈ ગોવિંદભાઈ વાઘેલાના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોઈ પણ પ્રકારના વી.આઈ.પી. પ્રોટોકોલ વિના, સુરેશભાઈ વાઘેલાના પરિવાર સાથે જમીન પર બેસીને ભોજન ગ્રહણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે પરિવારના સભ્યો સાથે વાતચીત કરી હતી અને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.
આ પ્રસંગે સુરેશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, “રાજ્યના રાજ્યપાલ અમારા ઘરે પધારશે તેવી અમે કલ્પના પણ કરી નહોતી. તેમણે અમારા ઘરે બનેલું ગલકા અને દાળનું શાક, રોટલી તથા ખીચડી જેવું સાદું ભોજન લીધું હતું. રાજ્યપાલની આ મુલાકાત અમારા પરિવાર માટે કાયમ યાદગાર રહેશે.””
