રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લતીપર ગામમાં રાત્રિ વિશ્રામ બાદ ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો

ગુજરાત

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગર જિલ્લાના લતીપર ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યો હતો. ત્યારબાદ વહેલી સવારે તેમણે શાળાના વિદ્યાર્થીઓ, સ્થાનિક ગ્રામજનો અને યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.

આ યોગ સત્ર દરમિયાન રાજ્યપાલે ઉપસ્થિત લોકો સાથે વિવિધ આસનો અને પ્રાણાયામ કર્યા હતા, તેમજ યોગથી થતા શારીરિક અને માનસિક ફાયદા અંગે સમજ આપી હતી. તેમણે સૌ સાથે મળીને શીતલી, અનુલોમ-વિલોમ, ભ્રામરી, ભસ્ત્રિકા પ્રાણાયામ, મૂલ બંધ અને સૂક્ષ્મ વ્યાયામનો અભ્યાસ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, યોગથી શરીરની લચકતા અને લોહીનો સંચાર વધે છે, જે અનેક રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. યોગ એ પ્રાચીન ઋષિપરંપરાની દેન છે, જે વર્તમાન સમયની સમસ્યાઓમાં પણ એટલી જ ઉપયોગી છે. આજની ભાગદોડ ભરી જીવનશૈલીમાં મેદસ્વિતા, હાયપરટેન્શન, ડાયાબિટીસ જેવી બીમારીઓ તેમજ માનસિક તણાવથી દૂર રહેવા માટે જીમની ભારે કસરતો કરતા નિયમિત યોગાભ્યાસ વધુ સ્થાયી અને ફાયદાકારક છે. તેમણે દરેક વ્યક્તિને પ્રકૃતિની નજીક રહેવા અને યોગને દૈનિક જીવનમાં સામેલ કરવા ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે સામૂહિક ૐ અને ગાયત્રી મંત્રના જાપ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલે મંત્રજાપનું મહત્વ સમજાવીને બાળકોની યોગ ક્ષમતાને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ કલેક્ટર પી.બી. પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.