ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, અમદાવાદ :
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.) દ્વારા ગુજરાત સુપર લીગ (જી.એસ.એલ.)ની ત્રીજી સીઝન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ રોમાંચક લીગનો પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે 4 વાગ્યે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે થશે.
રાજ્યમાં ફૂટબોલની રમતને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે યોજાનારી આ સીઝન પૂર્વે જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ પ્રદિપસિંહ વાઘેલાએ પદાધિકારીઓ અને ટીમ માલિકોની હાજરીમાં સત્તાવાર જર્સી અને ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. આ સાથે જ જી.એસ.એફ.એ. દ્વારા એક નવી સમર્પિત ડિજિટલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે, જેના પર ચાહકોને મેચ ફિક્સ્ચર્સ, પરિણામો, ખેલાડીઓની પ્રોફાઇલ અને લાઈવ અપડેટ્સ સરળતાથી મળી રહેશે.
આ સીઝન યુવા ખેલાડીઓ માટે મોટી તકો લઈને આવી છે, જેમાં લીગમાં રમનારા બે શ્રેષ્ઠ U-20 ફૂટબોલરોની પસંદગી જર્મનીમાં ટાયર-3 અને ટાયર-4 ડોમેસ્ટિક ટુર્નામેન્ટના ટ્રાયલ્સ માટે કરવામાં આવશે. જર્મન સાયકોલોજીસ્ટ પ્રોફેસર જેન માયર અને બૉસ ટેકનોલોજી સ્પોર્ટ્સ ઇન્ટેલિજન્સની મદદથી આ ખેલાડીઓની પારદર્શક પસંદગી કરશે. આ ઉપરાંત, રમત પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવા ફૂટબોલર રાહુલ ભાટીયાને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા સહાય આપવાની પણ જાહેરાત કરાઈ હતી.
જી.એસ.એફ.એ.ના પ્રમુખ પરિમલ નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જી.એસ.એલ. એ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ રાજ્યમાં ફૂટબોલના વ્યાપક વિકાસ માટેનો અમારો દ્રષ્ટિકોણ છે. તેમણે ઉમેર્યું કે નવી એપના માધ્યમથી લીગ હવે સ્ટેડિયમથી આગળ વધીને દરેક ફૂટબોલપ્રેમીના મોબાઇલ સુધી પહોંચશે. જ્યારે માનદ સચિવ શ્રી મુલરાજસિંહ ચૂડાસમાએ એપની વિવિધ વિશેષતાઓ રજૂ કરી હતી. લીગના સંપૂર્ણ ફિક્સ્ચર્સ જાહેર કરી દેવાયા છે અને 1 સપ્ટેમ્બરે યોજાનારા ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના તમામ રમતપ્રેમીઓને જોડાવા જી.એસ.એફ.એ. દ્વારા ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
