ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, લખનૌ :
સપ્ટેમ્બર 30, 2026: નવી પેઢીના એક પ્રોફેશનલ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે. ધનરાજ પરિમલ નથવાણી ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર બન્યા છે. તેમણે બુધવારે લખનૌ ખાતે પક્ષ પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા પ્રોફેસર રામગોપાલ યાદવની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. પ્રો. રામગોપાલ યાદવ પણ ઉપલા ગૃહ (રાજ્યસભા) માટે પક્ષના ઉમેદવાર છે.
ધનરાજ નથવાણીએ રિલાયન્સ ગ્રૂપના ઘણા મહત્વપૂર્ણ વ્યવસાયો અને સંસ્થાકીય પહેલોમાં વરિષ્ઠ જવાબદારીઓ સંભાળી છે. તેઓ રિલાયન્સ કોર્પોરેટ આઇટી પાર્કના બોર્ડના સભ્ય તરીકે સેવા આપે છે, જે ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊભરતી ટેકનોલોજીના ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેમની સક્રિયતા કોર્પોરેટ ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી. નથવાણી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના પ્રમુખ છે, જ્યાં તેઓ રાજ્યમાં ક્રિકેટના વહીવટ અને વિકાસ સાથે સંકળાયેલા રહ્યા છે. આ એસોસિએશન અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું સંચાલન કરે છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સમાજવાદી પાર્ટી પાસે પોતાના રાજ્યસભાના બંને ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે પૂરતું સંખ્યાબળ છે. આ ચૂંટણી ૧૬ ઓક્ટોબરના રોજ યોજાનાર છે.
ધનરાજ નથવાણીની સંસ્થાકીય ભૂમિકાઓ ધર્મ, વન્યજીવ, શિક્ષણ અને ઊર્જા સંશોધન જેવા ક્ષેત્રોમાં પણ વિસ્તરેલી છે. તેઓ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ છે અને ગુજરાત સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ તેમજ નાથદ્વારા ટેમ્પલ બોર્ડ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેઓ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય છે અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (GERMI) સાથે પણ જોડાયેલા છે. તેમની કોર્પોરેટ જવાબદારીઓ અને વિવિધ સંસ્થાકીય ભૂમિકાઓએ તેમને વ્યવસાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમત અને જાહેર સંસ્થાઓમાં વ્યાપક અનુભવ આપ્યો છે. સમાજવાદી પાર્ટી દ્વારા તેમના નામાંકનથી હવે આ અનુભવ રાજકીય ક્ષેત્રે પ્રવેશી રહ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશ તેમની પ્રસ્તાવિત સંસદીય ભૂમિકાનું કેન્દ્રબિંદુ બનશે.
નામાંકન પત્ર રજૂ કર્યા બાદ નથવાણીએ જણાવ્યું હતું કે, “મને ઉત્તર પ્રદેશથી રાજ્યસભા માટે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવા બદલ હું આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવજીનો હૃદયપૂર્વક આભાર માનું છું અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. મારા જાહેર જીવનના આ નવા તબક્કાની શરૂઆત કરતાં, મેં આજે લખનૌમાં અખિલેશ યાદવની ઉપસ્થિતિમાં રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. આપ સૌના સ્નેહ, વિશ્વાસ અને શુભેચ્છાઓ બદલ હું ખૂબ ખૂબ આભારી છું.”
