ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
નવા વર્ષના પ્રારંભે આખા દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગર ખાતે આવેલા પ્રમુખસ્વામી મહારાજ માર્ગ પરના BAPS સ્વામિનારાયણ મંદિરમાં પણ ભવ્ય અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. ભક્તો દ્વારા ભગવાન સમક્ષ વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી.
જામનગર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષના મંગલ પ્રારંભે સવારે જ ભક્તિસભર વાતાવરણ જોવા મળ્યું હતું. જામનગરના ભક્તો દ્વારા અત્યંત ભક્તિભાવ પૂર્વક તૈયાર કરવામાં આવેલી ૧૪૦૦ જેટલી કલાત્મક વાનગીઓનો અન્નકૂટ ભગવાન સમક્ષ ધરી અદ્ભુત દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું.
સવારે ૧૦ વાગ્યે પૂજ્ય સંતો, જામનગરના પ્રતિષ્ઠિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોના કંઠે થાળ-ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોવર્ધન પૂજા અને અન્નકૂટની પ્રથમ આરતી ઉતારવામાં આવી હતી.
આ ભવ્ય ઉત્સવનો લાભ લેવા માટે જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. રાત્રીના ૮ વાગ્યા સુધી દર કલાકે થતી આરતી અને અન્નકૂટ દર્શનનો લાભ હજારો ભક્તોએ લીધો હતો.
