શ્રીલંકામાં આર્થિક કટોકટી, ડોલર ખતમ : નવી લોકલ કરન્સી છાપવાનું પણ હવે બંધ કરશે

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, શ્રીલંકા : (સોર્સ)

હાલની ભયંકર આર્થિક ભીંસમાં મુકાયેલુ શ્રીલંકા ફુગાવાને અંકુશમાં લેવા માટે એક પછી એક મથામણ કરી રહ્યું છે, પરંતુ તેના કોઈ ફાયદા દેખાતા નથી. વિદેશથી માલની આયાત કરવા માટે ડોલરની જરૂર પડે છે. પરંતુ શ્રીલંકા પાસે હાલમાં ડોલર ખતમ થઈ ગયા છે. ફુગાવાનો દર 60%ના સ્તરે પહોંચી ગયો છે. જેથી ખરીદીને ડામવા સરકારે હાલ નવી કરન્સી છાપવાનું જ બંધ કરી દીધું છે.

શ્રીલંકાએ અગાઉથી જ દેવાળું ફૂંકી દીધું હોવાથી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી નાણાકીય સહાય મેળવવાનું પણ ઘણું મુશ્કેલ છે. અત્યાર સુધી લોકોના પગાર કરવા માટે કરન્સી છાપવામાં આવતી હતી, પરંતુ હવે તેનું છાપકામ પણ અટકાવી દેવામાં આવશે.

ઓગસ્ટમાં શ્રીલંકા અને IMF વચ્ચે એક કરાર થવાની શક્યતા છે. જેનાથી તેને નાણાં મળી શકશે. અગાઉ આ કરાર જૂનમાં થવાના હતા. જૂન મહિનામાં ફુગાવાનો દર 55% નોંધાયો હતો જેમાં ટ્રાન્સપોર્ટેશનના દરમાં 128%નો વધારો થયો હતો. જ્યારે અનાજ અને બીજા ખાદ્યપદાર્થોના ભાવમાં 80%નો વધારો થયો હતો. હાલમાં શ્રીલંકા અનાજ અને ક્રૂડ ઓઈલની ભયંકર તંગીનો સામનો કરે છે. કારમાં પેટ્રોલ ભરાવવા માંગતા લોકોએ બે-ત્રણ દિવસ સુધી કારમાં બેસીને વારો આવે તેની પણ રાહ જોવી પડી રહી છે.

બજારમાંથી કરન્સી જ ઓછી કરી દેવામાં આવશે તો ફુગાવો અંકુશમાં આવશે તેમ શ્રીલંકાની સરકાર માને છે. 2022ના પ્રથમ ક્વાર્ટરમાં શ્રીલંકાએ 588 અબજ રૂપિયા છાપ્યા હતા. જે સરકારી કર્મચારીઓના પગાર કરવાનો હેતુ હતો. જાન્યુઆરી 2020થી અત્યાર સુધીમાં 2.3 ટ્રિલિયન રૂપિયાનો આઉટપુટ ગેપ છે. શ્રીલંકાના 70 વર્ષના ઇતિહાસમાં આ સૌથી ખરાબ કરન્સી કટોકટી ગણવામાં આવી રહી છે.

વર્ષ 2020માં બજારમાં લિક્વિડિટી વધારવા માટે 206 અબજ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2020થી માર્ચ 2022 સુધીમાં રિઝર્વ મનીમાં 49%નો વધારો થયો છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે 2019માં જ શ્રીલંકાની કટોકટીના અણસાર આપી દીધા હતા. એડીબીએ જણાવ્યું હતું કે શ્રીલંકા ‘ટ્વીન ડેફિસિટ’ દેશ છે. એટલે કે, દેશની રાષ્ટ્રીય આવક કરતા તેનો ખર્ચ વધારે હતો. આ ઉપરાંત શ્રીલંકામાં ટ્રેડેબલ ગુડ્સ અને સર્વિસિસનું ઉત્પાદન પણ અપૂરતું હતું. તેના કારણે આર્થિક કટોકટી આવવાની ભરપૂર શક્યતા હતી. ત્યાર પછી કોવિડ આવ્યો અને શ્રીલંકાના પર્યટન ઉદ્યોગને ભારે ફટકો પડ્યો જેના કારણે અત્યારની સ્થિતિ સર્જાઈ છે.