સર્કિટ હાઉસમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે લોક સંપર્ક કરી, લોકોના પ્રશ્નો સાંભળ્યા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંત્રી રાઘવજી પટેલે લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના ખાનગી તથા સામાજીક બાબતોને લગતા પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કૃષિ મંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા દર શુક્રવારે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો ઉપસ્થિત રહી મંત્રી સાથે પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ પણ એટલી જ સહૃદયતાથી નાગરિકોના પ્રશ્નો સાંભળે છે તેમજ આ પ્રશ્નોના નિવારણ માટે સ્થળ પર જ લગત વિભાગો તથા સંબંધિતોને ટેલિફોનિક સૂચના આપી અથવા તો લેખીત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બને છે.