ધુવાવ બાયપાસ થી ખિમરાણા બાયપાસ સુધી 93લાખના ખર્ચે રોડ બનશે, મંત્રી રાઘવજી પટેલે ખાતમુહૂર્ત કર્યું

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ધુવાવ બાયપાસથી ખીમરાણા બાયપાસને જોડતા ૧.૫૦કિમીના કાચા રસ્તા પર ડામર રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામસડક યોજના હેઠળ રૂ.૯૩ લાખના ખર્ચે ડામર રોડનું નિર્માણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, લોકોની પાયાની જરૂરિયાતોને પહોચી વળવા માટે સરકાર તત્પર છે. રાજ્યના છેવાડાના માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષીને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર કામગીરી કરી રહી છે. ધુવાવ બાયપાસથી ખીમરાણા બાયપાસને જોડતો ડામર રોડ બનવાથી ટ્રાફિકની સમસ્યાનો હલ આવશે. તેમજ બંને ગામના લોકોની સુવિધામાં વધારો થશે અને સમય પણ બચશે. અને વાહનચાલકોને પણ નવા રસ્તાનો લાભ મળશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરચર, બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, જિલ્લા પંચાયતના સભ્ય નંદલાલભાઈ, તાલુકા સરપંચ કાનાભાઈ, અગ્રણીઓ તેમજ ગ્રામજનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.