ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :
જામનગર મહાનગરપાલિકા દ્વારા પવિત્ર શ્રાવણ માસના પહેલા જ દિવસે જંગલેશ્વર મહાદેવ મંદિર નું ડિમોલેશન કરાયા બાદ અવિવાદને લઈને ઢાક પીછોળો કરવા મહાનગરપાલિકાના કમિશનર અને શાસકોએ હવાતીયા મારી મંદિરના ટ્રસ્ટીઓને બોલાવી એન કેન પ્રકારે સમગ્ર મામલો થાળી પાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ અવારનવાર વિવાદોમાં રહેતું કોર્પોરેશન વધુ એક વિવાદમાં સપડાયું છે.
છોટીકાશી ગણાતા જામનગરમાં શ્રાવણ માસની શરૂઆત થતા જ ઠેર ઠેર ભગવાન શિવની આરાધના થઈ રહી છે. ત્યારે જ ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકા જાણે ધાર્મિક વિવાદ છેડવા માગતી હોય તેમ પ્રથમ શ્રાવણ માસના દિવસે જ જંગલેશ્વર મહાદેવ મંદિરનું ડિમોલેશન કરી નવો વિવાદ ઉભો કર્યો હતો. જો કે, વિવાદોમાં અનેક વખત આવેલા મહાનગરપાલિકાના કમિશનર અને સત્તાધીશો નિર્ણયો લેતા પહેલા વિચાર કરવાને બદલે વિવાદ શરૂ થાય એટલે તેને કેમ શાંત પાડવો તેમાં રચ્યા પચ્યા રહેતા જોવા મળી રહ્યા છે. શહેરના વિકાસ કાર્યોની વાતો તો ઠીક છે પરંતું નકર આયોજન સાથે શહેરીજનોના હિતમાં એક પણ કામ સુપેરે અને પ્રજા સ્વીકારે અને આવકારે તે પ્રકારનું નથી થઈ રહ્યું ને અધૂરામાં પૂરું અવનવા વિવાદો મહાનગરપાલિકા દ્વારા થતી કાર્યવાહી અને નવા કામો વિવાદો જ ઉભા કરતા રહે છે.
શ્રાવણી મેળાના વિવાદને લઈને તાત્કાલિક મહાનગરપાલિકાના તંત્રને લાખોટા તળાવ પાછળના બ્યુટિફિકેશનને લઈને ત્યાંથી રસ્તો કાઢી તાત્કાલિક મેળા માટે તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન કરવાનું અને ધાર્મિક નગરી ગણાતી જામનગર ની પ્રજાને જાણે મંદિર તોડી આસ્થા ઉપર ઠેસ પહોંચાડવા કમિશનર ડી.એન. મોદીની આગેવાનીમાં સૂચના અનુસાર ડિમોલેશન પ્રક્રિયા કરવામાં આવી છે જેને લઈને ધર્મ પ્રેમીઓમાં ભારે નારાજગી અને રોષની લાગણી પ્રવર્તી રહી છે.
શ્રાવણ માસના એકમના દિવસે જ મહાનગરપાલિકાના અધિકારીઓ બુલડોઝર લઈ પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક અને પાછળના લાખોટા તળાવના ડ્યુટીફિકેશન ચાલી રહેલા છે ત્યાં રહેલું છેલ્લા ઘણા વર્ષોથી લોકોની આસ્થા ધરાવતું શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિરનું ડિમોલેશન કરવા પહોંચ્યા હતા. અને બુલડોઝર સાથે તાબડતોબ મુહુર્ત ન ચૂકાય જાય તે પ્રકારે મંદિરની શ્રાવણ માસના પ્રારંભે જ જમીન દોસ્ત કરવાની કાર્યવાહી બપોર સુધીમાં પૂરી કરી લેવામાં આવી, જોકે હજી આ મંદિરની બાજુમાં જ જંગલેશ્વર મહાદેવના નવા મંદિર નું નિર્માણ ચાલી રહ્યું છે જ્યાં કાર્ય પણ પૂર્ણ નથી થયું અને પ્રાણ પ્રતિષ્ઠિત મંદિરની શિવલિંગ નવા નિર્માણ પામેલા મંદિરમાં સ્થાપના પણ નથી થઈ છતાં કમિશનર સહિતના અધિકારીઓએ કોના કહેવાથી નિર્ણય લઇ આ મંદિર તોડી પાડ્યું..? તે પણ એક પ્રશ્ન છે. અને મંદિર તોડવાથી કોઈ ધાર્મિક વિવાદ ઉભો કરવા માટે સત્તામાં રહેલા ચેમ્બર ધરાવતા કોઈ નેતા કે પછી મહાનગરપાલિકાના વડા તરીકે સરકારમાંથી આવેલા મહાશયે પ્લાનિંગ ઘડી પોતાનો મનસૂબો પાર પાડ્યો હતો. તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. એક તરફ મંદિરના ડિમોલેશનને લઈને કોંગ્રેસ અને હિન્દુ સંસ્થાઓ પણ મંદિર ડિમોલેશન કરાતા દોડ્યા હતા અને નારાજગી વ્યક્ત કરી હતી અને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોવાની વાત પણ કરતા લોકોમાં પણ કચવાહટ જોવા મળ્યો હતો. જોકે મોડે મોડેથી આ અંગે તાત્કાલિક કમિશનર ઓફિસે જંગલેશ્વર મહાદેવ મંદિર ના કેટલાક ટ્રસ્ટીઓને ફોન કરી બોલાવી લાગતા વળગતા મીડિયા કર્મી સમક્ષ કમિશનરે એક વર્ષ અગાઉથી નોટિસ આપી મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓના સાથ સહકારથી ડિમોલેશન કાર્યવાહી કરી અને બાજુમાં મંદિર બનાવાયું છે જ્યાં પૂજા વિધિ પણ કરવામાં આવી રહી હોવાની વાત મંદિરના ટ્રસ્ટીઓ પાસે બોલાવડાવી વિવાદ શાંત પાડવા પ્રયાસ કરાયો હતો. પરંતુ ભાગલા પાડો અને રાજ કરો આ નીતિ અનુસાર તટસ્થ પત્રકારો અને મીડિયા કર્મીઓને બોલાવ્યા વગર જ કુલડીમાં ગોળ ભાંગી સમગ્ર મામલો થાળે પાડવા પ્રયાસ કરાયો હતો.
જોકે શ્રાવણ મહિનાના બીજા દિવસે પણ સવારથી જ અનેક લોકો જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે નવા બની રહેલા મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. પરંતુ આ મંદિરનું શિખરનું કામ પણ હજી અધૂરું છે. અને ગર્ભ ગૃહમાં કોઈપણ શિવલિંગ સ્થાપિત નથી કરાયું. જેને લઈને વિવાદ વધુ વકર્યો છે. ત્યારે હિન્દુત્વના નામે સત્તામાં બેસેલી સ્થાનિક ભાજપની કોર્પોરેશનની બોડી સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.
વર્ષ 2024માં શ્રાવણ મહિનામાં જ જન્માષ્ટમી દરમિયાન લગાવાયેલા ભગવાન શ્રીકૃષ્ણના સાર્વજનિક જન્માષ્ટમીની શોભાયાત્રા ના પોસ્ટરો 15 ઓગસ્ટના દિવસે જ ઉતરાવી મહાનગરપાલિકાએ વિવાદ સર્જાયો હતો. અને ત્યારબાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. અને ફરીથી બેનરો લગાવ્યા હતા. આ ઘટનાને એક વર્ષ પૂરું નથી થયું ત્યાં જ આ વર્ષે શ્રાવણ માસ શરૂ થતા પહેલા જ શિવાલય તોડી વધુ એક ધાર્મિક વિવાદ મહાનગરપાલિકાએ છેડ્યો છે.
