ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના સહપરિવાર સાથે દર્શન કર્યા

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, દેવભૂમિ દ્વારકા :

ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. ઉપરાષ્ટ્રપતિ એ ધર્મપત્ની મતી ઉષાબહેન સાથે સહપરિવાર જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિને પૂજન – અર્ચન  સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું. તેમજ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. બાદમાં દેવકીજીના મંદિરમાં દર્શન કર્યા હતા.

આ પ્રસંગે ગુજરાતની ભાતીગળ  સંસ્કૃતિ અભિવ્યક્ત કરતા આશાપુરા રાસ મંડળી – મકનપુર દ્વારા અને કસ્તુરબાગાંધી વિદ્યાલય – આરંભડા દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સંગઠનના મહિલાઓ દ્વારા કુમકુમ તિલક કરી ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યા, એસપી નિતેશ પાંડે, ગ્રામગૃહ નિર્માણ બોર્ડના પૂર્વ ચેરમેન મુળુભાઈ બેરા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, સંગઠનના અગ્રણીઓ, મયુરભાઈ ગઢવી, શૈલેષભાઇ કણજારીયા, વિજયભાઈ બુજડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.