મોટી ખાવડીમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડની ઉસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા

દેશ-વિદેશ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની આ ભૂમિ પાવનભૂમિ છે દેશને સ્વતંત્રતા અપાવવા માટે ગુજરાતના બે પનોતા પુત્રો પૂજ્ય મહાત્માગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલે મહત્વનું યોગદાન આપ્યું છે ત્યારે દેશને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રમોદી તથા ગૃહમંત્રી અમિત શાહ જહેમત ઉઠાવી રહ્યા છે. કાશ્મીરથી કન્યાકુમારી, અરુણાચલપ્રદેશથી કચ્છ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. આ કાર્યક્રમના માધ્યમથી વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી રહી છે. મોદીજીની ગેરેંટીવાળી ગાડી થી લોકોને સરકારી યોજનાઓના લાભ મળી રહ્યા છે. દેશના તમામ લોકોને વિકસિત બનાવવાનું વડાપ્રધાનનું સ્વપ્ન છે તેમાં મુખ્ય 17 યોજનાઓ લોકો માટે જરૂરી છે જે આ કાર્યક્રમ મારફતે લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનાનો લાભ દેશના ખૂણે ખૂણા સુધી પહોંચ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આજે દેશના લોકોના ઝીરો બેલેન્સ એકાઉન્ટ બન્યા છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ₹20 માં બે લાખ સુધીનો અકસ્માતી વીમો લોકોને મળી રહ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના થકી ખેડૂતોને ખેતી કરવા માટે દર વર્ષે રૂપિયા 6,000 ની સહાય સીધા તેમના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. તમામ લોકોને મદદરૂપ થવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ લોકો સુધી પહોંચી રહ્યો છે. વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું વડાપ્રધાન નું સ્વપ્ન છે. સમાજમાં સ્ત્રીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે અને સ્ત્રીઓનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. વંચિતોનો વિકાસ થાય તે સૂત્ર સાથે સરકાર લોકો માટે અવિરત કામગીરી કરી રહી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ લોકોને સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી તેમજ જરૂરિયાતમંદોને લાભો મેળવવા અંગે વિનંતી કરી હતી.

આ કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમે જણાવ્યું હતું કે, જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ કેન્દ્રીયમંત્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો છે તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું. કેન્દ્રની યોજનાઓનો લાભ ગુજરાત રાજ્યના લોકોને મળે તે હેતુથી મંત્રીએ અનેક સેમિનાર યોજી કેન્દ્રની યોજનાઓની અમલવારી વિશે માહિતગાર પણ કર્યા છે.

આંગળી ચીંધવાના પુણ્યને સાર્થક કરી સૌએ સાથે મળી સરકારી યોજનાઓનો લાભ અન્ય લોકો સુધી પણ પહોંચાડવો જોઈએ. દેશના આર્થિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં બહેનો પણ ભાગીદાર થઈ રહી છે તે આપણા સૌ માટે ગર્વની વાત કહેવાય. સખી મંડળના માધ્યમથી બહેનો પોતે આત્મનિર્ભર થઈ અને પરિવારનું પણ ગુજરાન ચલાવી રહી છે. ગેરેન્ટી પણ પૂરી થવાની ગેરંટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપે છે. આ યાત્રાના માધ્યમથી તમામ જરૂરિયાતમંદોને લાભ લેવા માટે સાંસદએ જણાવ્યું હતું.

કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ લોકોએ સરકારી યોજનાઓનો લાભ મળ્યો તે અંગેના અનુભવ વ્યક્ત કર્યા હતા. સરકારની વિવિધ યોજનાઓ આભાકાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ જેવી યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. અને મોટી ખાવડી ગામને રેકોર્ડ ડિજિટલાઈઝેશન, ઓપન ડેફીનેશન ફ્રી ગામનું પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના સ્ટોલની સાંસદએ મુલાકાત લીધી હતી. અને વડાપ્રધાનનો રેકોર્ડેડ સંદેશ સાંભળી ભારતને વિકસિત બનાવવા અંગે સૌએ સંકલ્પ લીધો હતો.

શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ તેમજ પ્રાકૃતિક કૃષિને લગત નાટકના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા અંગે સંદેશો આપ્યો હતો. ત્યારબાદ અગ્રગણ્ય મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રખાયેલ સ્ટોલના માધ્યમ થકી લોકો સ્થળ પર જ સરકારી યોજનાઓ વિશે જાણકારી મેળવી શકે છે અને તેમને લાભો એનાયત કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરચર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, કરાડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દુધાગરા, જિલ્લા ભાજપ મહામંત્રી કુમારપાળસિંહ રાણા, અગ્રણીઓ દિલીપભાઈ ભોજાણી, મુકુંદભાઈ સભાયા, નાથાભાઈ, વિનુભાઈ ભંડેરી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી પધારેલા મહેન્દ્રભાઈ, પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, વિવિધ વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.