ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રવાસેથી પરત ફરી સીધા જ સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ગાંધીનગર : 

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગવી સંવેદનશીલતા સામે આવી છે. રાજકોટ જિલ્લાના પ્રવાસમાંથી પરત આવી હેલિપેડથી સીધા જ ગાંધીનગર ના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા.જ્યાં 6 જિલ્લામા થયેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેકટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી સ્થિતી નો તાગ મેળવ્યો હતો. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ આ વેળાએ ઉપસ્થિત હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં રવિવારે દિવસ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના ૬ જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા આ જિલ્લાના જિલ્લા કલેકટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOC થી કરીને સ્થિતિનો સંપૂર્ણ જાયજો મેળવ્યો હતો.

આ જિલ્લાઓમાં નીચાણ વાળા વિસ્તારમાં તથા કાચા મકાનમાં રહેલા લોકોના સલામત સ્થળાંતર અને તેમની ભોજન-આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તેમણે સૂચનાઓ આપી હતી.

છોટાઉદેપુરમાં 400 લોકો નવસારીમાં 550 લોકો અને વલસાડમાં 470 લોકો સહિત રાજ્યમાં 3250 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે

મુખ્યમંત્રીએ આગામી બે દિવસ ગુજરાતમાં હજુ વ્યાપક વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીને પગલે આ જિલ્લા કલેકટરોને તાકીદ કરી હતી કે, જરૂર જણાયે હજુ વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર વ્યવસ્થાઓ માટે તેઓ સજ્જ રહે તેમ જણાવ્યું હતું. એટલું જ નહીં, પોલીસ દળની મદદ લઈને પણ લોકોનું સ્થળાંતર થાય અને વરસાદને પગલે કોઈ જનહાની ન થાય અને ઓછામાં ઓછી નુકસાની થાય તે જોવા તેમણે ખાસ તાકીદ કરી હતી.

 મુખ્યમંત્રીના મુખ્ય સચિવ પંકજકુમાર, મહેસુલ વિભાગના અધિક સચિવ કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા, રાહત કમિશનર પી સ્વરૂપ અને વરિષ્ઠ અધિકારીઓ આ તાકીદની બેઠકમાં જોડાયા હતા

રાજ્યમાં એન ડી આર એફ ની 13 ટીમ અને એસડીઆરએફની 16 પ્લાટુન હાલ તૈનાત કરવામાં આવી છે. છોટા ઉદેપુરમાં વડોદરાથી એસડીઆરએફની 1 પ્લાટુન મદદ માટે રવાના કરવામાં આવી છે

મુખ્યમંત્રીએ આ વ્યાપક વરસાદથી અસરગ્રસ્ત એવા 6 જિલ્લાના કલેક્ટર ઓને તેમના જિલ્લાના જળાશયોમાં પાણીનો આવરો, દરિયામાં ભરતીને કારણે નદીઓમાં આવતું પાણી ગામોમાં ઘૂસી આવે તો તેની સામેની સાવચેતી, પશુઓની સલામતી વગેરે અંગે માહિતી મેળવીને સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યમાં તારીખ 10 જુલાઈ એટલે કે આજની સ્થિતિએ સ્ટેટ હાઇવે, પંચાયત હાઇવે અને અન્ય માર્ગો મળીને કુલ 388 જેટલા માર્ગો બંધ છે. સ્ટેટ હાઇવેના જે માર્ગ બંધ છે તે સહિતના માર્ગો પરની આડશો દૂર કરીને તેમજ અન્ય મરામત કરીને તેને પુનઃ કાર્યરત કરવા મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને આથી સૂચનો આપ્યા હતા.

રાજ્યમાં રવિવારે આ છ જિલ્લાઓમાં સવારે 8:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા દરમિયાન 5 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. તે સંદર્ભમાં પણ મુખ્યમંત્રીએ સ્થળાંતર અને અન્ય સુરક્ષાત્મક પગલાની જરૂર જણાય તો જિલ્લા કલેકટરએ સ્થાનિક સ્તરેજ જરૂરી નિર્ણય લઇ ત્વરિત કાર્યવાહી કરવી તેમ તેમણે ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *