રાજકોટ ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સે કાઢી વીડિયો વોલ બાઇકરેલી, DRM એ શહીદોના પરિવારજનોનું કર્યું સન્માન

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, રાજકોટ : 

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ટીમ દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે 13 જૂનથી 15 ઓગસ્ટ, 2022 દરમિયાન આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બાઇક રેલી, વૃક્ષારોપણ, જળ સેવા, રન ફોર યુનિટી અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન વગેરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં રવિવારે RPF દ્વારા વિડીયો વોલ બાઇક રેલી કાઢવામાં આવી હતી જેને રાજકોટના ડિવિઝનલ રેલ્વે મેનેજર અનિલ કુમાર જૈને લીલી ઝંડી આપી હતી. આ વિડીયો વોલ રેલી ભક્તિનગર, પડધરી, હાપા, જામનગર, મોરબી, વાંકાનેર, થાન અને સુરેન્દ્રનગર સ્ટેશનો અને રૂટ પરના અન્ય તમામ નાના સ્ટેશનોને આવરી લેતી ત્રણ દિવસ બાદ રાજકોટ પરત ફરશે. રેલી દ્વારા લોકોને આરપીએફ સ્ટાફ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ મિશન જેવા કે જીવન સુરક્ષા, મુસાફરોની સુરક્ષા, અમાનત, લિટલ એન્જલ, મેરી સહેલી વગેરે વિશે જાગૃત કરવામાં આવશે.

આ પ્રસંગે ડીઆરએમ જૈને સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને શાલ, સ્મૃતિ ચિહ્ન અને શ્રીફળ અર્પણ કરી તેમનું સમ્માન કર્યું હતું જેમાં સ્વ.બી બી શાહના પુત્રી હર્ષા ઇન્દ્રવદન ગાંધી, સ્વ.ગોપાભાઈના પુત્ર કેશવ ભાઈ, સ્વ.મનસુખ ભાઈના પત્ની કુસુમવાલા અને સ્વ.છગનભાઈની પુત્રી સરોજબેન શામેલ હતા. સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માનમાં રેલ્વે પ્રોટેક્શન ફોર્સના બેન્ડ સ્ટાફે બેન્ડ દ્વારા ધૂન વગાડી હતી જેનાથી સંપૂર્ણ માહોલ દેશભક્તિ ની ભાવના થી ઓતપ્રોત થઈ ગયો હતો. થોડા દિવસો પહેલા ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે પ્લેટફોર્મ પરથી પડી ગયેલા 14 વર્ષના છોકરાનો જીવ બચાવવા માટે RPF રાજકોટના કોન્સ્ટેબલ સોનુ વર્મા ને ડીઆરએમ દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી.

ડીઆરએમ ઓફિસ રાજકોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર (ADRM) ગોવિંદ પ્રસાદ સૈની, ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવ, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, RPF સ્ટાફ અને મોટી સંખ્યામાં મીડિયાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *