સિક્કા DCC જેટી પર બાર્જમાં બ્લાસ્ટથી દોડધામ, ગંભીર ઘાયલ મજુરને અમદાવાદ ખસેડાયો

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર નજીક સિક્કા બંદરે આવેલી જેટી પર લાંગરેલા એક બાર્જમાં વેલ્ડીંગ કામ દરમિયાન આગજનીની દુર્ઘટના બની હતી, અને ઓઇલના કારણે આગ લાગી ગયા પછી બ્લાસ્ટ થયો હતો. જેમાં વેલ્ડીંગ કામ કરી રહેલો એક શ્રમિક ગંભીર સ્વરૂપે દાજી ગયો હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે.

આગજનીની ઘટના પછી સૌપ્રથમ ડીસીસી સિક્કા ના ફાયર વિભાગ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીના 10 ટેન્કરોનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી, ઉપરાંત ટીપીએસ સિક્કા, જીએસએફસી અને રિલાયન્સ કંપનીના ફાયર ફાઈટર પણ દોડ્યા હતા. સિક્કા પોલીસે જેટી પર પહોંચી જઈ બનાવનું પંચનામું કર્યું હતું.

આગજનીના આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સિક્કા બંદરની DCC જેટી પર બિલાલ અલવાણી નું બાર્જ લાંગરવામાં આવ્યું હતું, જે બાર્જની અંદર જેટી સાથે બાંધવા માટેના રસ્સા નો લોખંડનો ખૂંટો કે જે તૂટી ગયો હોવાથી તેમાં બપોરે એકાદ વાગ્યાના અરસામાં વેલ્ડીંગ કામ કરવામાં આવી રહ્યું હતું.

જે દરમિયાન વેલ્ડીંગ નો તણખો બાર્જ ની અંદર નીચે રહેલા ઓઇલના ભાગમાં પડતાં ઓઇલ સળગવા લાગ્યું હતું, અને ત્યારબાદ તેમાં ગેસ ભરાયો હતો અને બ્લાસ્ટ થયું હતું, જેના કારણે વેલ્ડીંગ કામ કરી રહેલો સિક્કાનો ફારૂક સુંભણીયા નામનો 32 વર્ષનો યુવાન કે જે આગની જ્વાળાની વચ્ચે પડી ગયો હતો અને ગંભીર સ્વરૂપે દાઝી ગયો હતો.

આ ઘટના અંગેની સૌપ્રથમ સિક્કાની ડીસીસી કંપનીની ફાયર શાખાને જાણ થતાં ડીસીસી કંપનીના ફાયર વિભાગના હેડ યોગેશ વિઠલાણી તેમના ફાયર ફાઈટરના જવાનો સાથે સૌ પ્રથમ સિક્કા જેટી પર પહોંચી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે સૌપ્રથમ દાઝી ગયેલા યુવાન ફારુક સુંભણીયા ને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, ત્યાં તેની તબિયત લથડતાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે.

બાર્જમાં આગ લાગ્યા પછી તેની બહાર ફરતે ટાયરો લગાડવામાં આવ્યા હતા, જે ટાયરો પણ સળગી ઊઠ્યા હોવાથી ડીસીસી કંપનીની ફાયરની ટીમે દરિયામાંથી 10 જેટલા પાણીના ટેન્કરો વડે પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

આ ઉપરાંત ટીપીએસ કંપની સિક્કા, જીએસએફસી કંપની, તથા રિલાયન્સ કંપનીના ફાયર વિભાગને પણ જાણ કરાતાં તેઓના ફાયર સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને આગ બુજાવવામાં મદદ કરી હતી. બપોરના સમયે લાગેલી આગની ઘટના પછી બે કલાક સુધી રેસ્ક્યુ કામગીરી ચાલી હતી, અને ત્રણ વાગ્યા આસપાસ સંપૂર્ણ આગ કાબુમાં આવી જતાં સર્વે હાથકારો અનુભવ્યો હતો.

આગજનીની આ ઘટનાની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ જમાદાર સુધીરસિંહ જાડેજા કે તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને બનાવના સ્થળનું પંચનામું કર્યું હતું. જયારે દાઝી ગયેલા યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાવ્યો છે. તેમજ પોલીસ દ્વારા સમગ્ર આગની દુર્ઘટના અંગેનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. અને કયા કારણે આગ લાગી તે અંગે તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે.

ફોટો : બસીર ભગાડ