જામનગરમાં ચોમાસુ પાકો માટે યુરિયા ખાતરનો 21000 મેટ્રિક ટન જેટલો જથ્થો હયાત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા સારા વરસાદના કારણે ચોમાસુ પાકની પરિસ્થિતિ સારી છે. તેમજ પાક માટે હાલ યુરિયા ખાતરની જરૂરિયાત રહે છે. જે અન્વયે, જામનગર જિલ્લામાં વિવિધ તાલુકા મથકો તથા ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે પુરતા પ્રમાણમાં યુરિયાનો જથ્થો ઉપલબ્ધ છે.
જામનગર જીલ્લામાં ૬ તાલુકા કેન્દ્રો તેમજ ગ્રામ્ય સહકારી મંડળીઓ પાસે ચાલુ ખરીફ સિઝન માટે ઓનલાઈન POS મુજબ યુરિયાનો કુલ ૨૧૦૦ મેટ્રિક ટન જેટલો અંદાજિત જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ચાલુ અઠવાડિયામાં હાપા ખાતેના ઇફકો કંપનીના રેક પોઈન્ટ પર ખાતરની રેકમાંથી જામનગર જિલ્લાને કુલ ૧૮૭૬ મેટ્રિક ટન યુરિયા ખાતરની સપ્લાય થયેલી છે. તેમજ ક્રીભકો કંપનીની રેકમાંથી ૭૫૦ મેટ્રિક ટન યુરિયા ખાતરની સપ્લાય થયેલી છે.
તેમજ, બેડી બંદર ખાતે આવેલા જી.એસ.એફ.સી. કંપનીની વેસલમાંથી જામનગર જિલ્લાને ૧૬૧૦ મેટ્રિક ટન યુરિયા ખાતરની સપ્લાય કરાયેલી છે. જે જથ્થો જિલ્લામાં હાલ યુરિયા ખાતરની જરૂરિયાત મુજબ દરેક તાલુકાને સપ્લાય કરવામાં આવેલો છે. હાલમાં, ઉપલબ્ધ યુરિયા ખાતરનો જથ્થો ૨૧૦૦ મેટ્રિક ટન તથા આગામી સમયમાં થનાર યુરિયા ખાતરના સપ્લાયને ધ્યાનમાં લેતા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ યુરિયા ખાતરની અછત ઉદભવવાની કોઈ શક્યતાઓ રહેલી નથી.
તેથી, જિલ્લાના તમામ ખેડૂતોએ યુરિયા ખાતરની અછત બાબતની અફવાઓથી દુર રહીને ખાતરની ખરીદી માટે બિન- જરૂરી દોડાદોડી ન કરતા, પોતાની જરૂરિયાત મુજબનો જથ્થો માન્ય રાસાયણિક ખાતરના વિક્રેતાઓ પાસેથી પોતાનો આધાર નંબર રજુ કરી, ખરીદીનું પાકું બિલ મેળવીને જ ખરીદી કરવી. તેમજ યુરિયા ખાતરની સાથે સાથે પ્રવાહી નેનો- યુરિયાનો પણ ભલામણ મુજબ વપરાશ કરવું. તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) બી.એમ.આગઠ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.