બાજરા સંશોધન કેન્દ્રને વર્ષ 2022-23 માટે બેસ્ટ પર્ફોમિંગ સેન્ટરનો એવોર્ડ એનાયત

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

બાજરા સંશોધન કેન્દ્ર,જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી,જામનગરને વર્ષ ૨૦૨૨-૨૩ માટે બેસ્ટ પર્ફોમિંગ સેન્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગત તા.૧૦-૧૧ જુલાઈ ૨૦૨૩ દરમ્યાન હૈદરાબાદ ખાતે અખિલ ભારતીય બાજરા,જુવાર અને અન્ય મિલેટસ પાકોની વાર્ષિક મિટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં બાજરા સંશોધન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર કેન્દ્ર દ્વારા બાજરાની ખરીફ ઋતુમાં વાવેતર માટે બે જુદીજુદી હાઈબ્રીડ જાતોની દરખાસ્ત કરેલ જેનો રાષ્ટ્રીય કક્ષાએ આ મીટીંગમાં સ્વીકાર કરવામાં આવેલ છે. ચાલુ વર્ષ ૨૦૨૩ને સયુક્ત રાષ્ટ્ર સંધે આંતરરાષ્ટ્રીય મીલેટસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. તેવા સંજોગોમાં રાષ્ટ્રીય કક્ષાએ બાજરા સંશોધન કેન્દ્ર, જામનગરની નોંધ લઈને જામનગરના કેન્દ્રને વર્ષ ૨૦૨૨-૨૩ નો બેસ્ટ પર્ફોમિંગ સેન્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જે ખુબ જ સરાહનીય કાર્ય છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીનાં કુલપતિ ડો.વી.પી.ચોવટીયાની પ્રેરણા તેમજ સંશોધન નિયામક ડો.આર.બી.માદરીયાનું માર્ગદર્શન અને સંશોધન વૈજ્ઞાનિક(બાજરા) જામનગરના ડો. કે.ડી.મુંગરા અને જામનગરની સમગ્ર બાજરા સંશોધનની ટીમનાં અથાગ પ્રયત્નનું રાષ્ટ્રીય કક્ષાએ દીપી ઉઠેલ પરિણામ આ એવોર્ડ છે.