જામનગરમાં ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે મહિલા નેતૃત્વ દિવસ ઉજવણી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે તા.04 ઓગસ્ટના રોજ ‘મહિલા નેતૃત્વ દિવસ’ ની ઉજવણી જિલ્લા પંચાયત ભવનના સ્મૃતિ હોલમાં કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ‘મહિલા નેતૃત્વ દિવસ’ ની થીમ પર આધારિત નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા અને જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના હસ્તે રાજકીય તેમજ શિક્ષણક્ષેત્રમાં નેતૃત્વ કરતી અગ્રેસર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.

આ ઉપરાંત, લાભાર્થીઓને સારું જીવનધોરણ તથા અલગ– અલગ ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધી શકાય તે માટે તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફીસર સુબીનલબેન સુથાર, સી.ડી.પી.ઓ. રીટાબેન, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન વર્ણાગર તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

આજે તા.05 ઓગસ્ટના રોજ ‘મહિલા કર્મયોગી દિવસ’ ની ઉજવણી અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની થીમ પર આધારિત નાટક, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ- 2013 હેઠળ બિન-સરકારી માળખાઓની મહિલાઓ માટે જાગૃતિ સેમિનાર, ભારત સરકારની કર્મયોગી યોજના વિશે માહિતી, પ્રતિકાર ફિલ્મનું નિદર્શન, સ્ટ્રેસ મેનેજમેન્ટ, વિવિધ વિભાગોમાં પોતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રદાન કરનારી તમામ કેડરની મહિલા કર્મયોગીઓની ઓળખ અને તેમનું સન્માન તેમજ જિલ્લા શ્રમ વિભાગ દ્વારા સંકલન કરીને ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા તમામ ઓદ્યોગિક એકમોમાં POSH એક્ટ વિષે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.