લાલપુર તાલુકા બ્લોક હેલ્થ ઓફિસ ખાતે નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

સ્ત્રી સશક્ત થાય તેમજ સ્ત્રીને શિક્ષણ , સુરક્ષા , સ્વાવલંબન , નેતૃત્વ કેળવણી, સ્ત્રીઓમાં સર્વાંગી વિકાસ થાય તે માટે લાલપુર તાલુકાની તાલુકા હેલ્થ ઓફિસ ખાતે નારી વંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડો.પી.ડી.પરમારના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં કિશોરીઓ, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, આંગણવાડી કાર્યકર, આશા અને આશા ફેસેલિટર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાં સ્ત્રી રોગ નિદાન કેમ્પ, એનીમિયા, ગર્ભાશયના કેન્સર માટે તપાસ , કિશોરીઓ અને બહેનોને સેનેટરી પેડનો ઉપયોગ અને નિકાલ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી.પરમાર દ્વારા માહિતી આપવામાં આવી હતી. તાલુકા હેલ્થ સુપરવાઇઝર જી.પી.મકવાણા દ્વારા PC-PNDT કાયદા વિષે અને બેટી બચાવો બેટી પઢાવો અંગે, આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ અંગે, ટીબી સુપરવાઈઝર પરેશભાઇ ભારાઈ દ્વારા ટીબી અંગે માહિતી આપવામાં આવી હતી. ડી.એસ.બી.સી.સી ચિરાગભાઈ પરમાર દ્વારા છેવાડાના વિસ્તાર સુધી લોકોને આરોગ્યની સેવાઓ મળી રહે તેમજ સગર્ભા માતાઓમાં રહેલી ગેરમાન્યતા અને રૂઢિચુસ્તતા દૂર થાય, સગર્ભાને કેવો ખોરાક લેવો જોઈએ તે અંગે માહિતી આપવામાં આવી હતી.

આંગણવાડીઓમાં બાળકને બાળ શક્તિ, કિશોરીઓને પુર્ણા શક્તિ, સગર્ભાને માતૃશક્તિના પેકેટ અને આયોડિન યુક્ત નમક ICDS વિભાગ દ્વારા વિનામુલ્યે આપવામાં આવે છે તે અંગે આંગણવાડી કાર્યકર દ્વારા માહિતી આપવામાં આવી હતી. લાલપુર તાલુકાના કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર રીંકલ શાહ, ઇરમ પઠાણ અને બાબરિયા માધુરી દ્વારા સગર્ભા દરમ્યાન શું કાળજી રાખવી જોઈએ, રસીકરણ અને મમતા કાર્ડ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ તમામ ૬0 લાભાર્થીઓને આરોગ્ય અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી જેમાં વજન , ઊચાઇ , બ્લડ પ્રેસર માપવામાં આવ્યું હતું અને આવેલ લાભાર્થી ને પોષ્ટિક નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું હતું.