કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખાતેદાર ખેડૂતોના વારસદારોને 11 લાખના સહાય ચેક અર્પણ કરાયા

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધ્રોલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડમાં ‘સહાય ચેક વિતરણ કાર્યક્રમ’ યોજાયો હતો. કેબિનેટ મંત્રીના હસ્તે ખાતેદાર ખેડૂતોના વારસદારોને રૂ. ૧૧ લાખના સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર અને ઘી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના સહયોગથી અકસ્માતમાં અવસાન પામેલા ખાતેદાર ખેડૂતોના પરિવારજનોને દુઃખની ઘડીમાં મદદરૂપ બની શકાય તે હેતુથી ‘ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના’ હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે.

કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સહકારિતા વિભાગ દ્વારા ‘ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના’ લાગુ પાડવામાં આવી છે. કોઈ ખેડૂતનું અકસ્માતમાં અવસાન થાય ત્યારે તેમના પરિવારજનો પર આવી પડેલી વિપદાની ઘડીમાં સરકાર તેમની સાથે છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોની તમામ સમસ્યા ઉકેલવા માટે અને તેમને સતત સાથ-સહકાર મળી રહે તે માટે સતત કટિબદ્ધ છે.

કાર્યક્રમમાં, કૃષિમંત્રીનાં હસ્તે ધ્રોલ તાલુકાના લૈયારા ગામના ખેડૂત રસીકબા નીરૂભા જાડેજાના વારસદારને રૂ. 1 લાખની રકમનો ચેક અર્પણ કરાયો હતો. ખાખરા ગામના ખેડૂત અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ વાંકિયા ગામના ખેડૂત નરસિંહ ભીમાણીના વારસદારોને ક્રમશ: રીતે રૂ. 5- 5 લાખની રકમનો ચેક અર્પણ કરાયો હતો.

આ સમારોહમાં, તાલુકા પંચાયત પ્રમુખ પોલુભા જાડેજા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ દેવકરણભાઈ ભાલોડીયા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના ઉપ પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ધ્રોલ તાલુકાની સહકારી મંડળીના સદસ્યઓ, ઘી જામનગર ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કના સદસ્યઓ તેમજ આજુબાજુના ગામના ખાતેદાર ખેડૂતો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.