જામનગરમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમની સમીક્ષા બેઠક યોજાઈ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગર જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષમાં 2 વાર આ પ્રકારની સમીક્ષા બેઠકનું આયોજન કરાતું હોય છે. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને આયોજિત આ બેઠકમાં શાળા આરોગ્ય તપાસણી અને પ્રાથમિક શાળાઓમાં સેમિનારનું આયોજન વગેરે મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારીએ બેઠકમાં સમિતિના સદસ્યો સાથે વિસ્તૃતપણે ચર્ચા-વિચારણા કર્યા બાદ જણાવ્યું હતું કે, શાળાઓની આસપાસના 100 મીટરના વિસ્તાર પર રેગ્યુલર ચેકીંગ થવું જોઈએ. તેમજ શાળા-કોલેજોના બાળકોને તમાકુની આડ-અસર વિષે સમજણ મળે તે જરૂરી છે. શાળાની આસપાસ સ્વચ્છતા જળવાય રહે તે બાળકોના આરોગ્ય માટે આવશ્યક છે. તમાકુનું ગેરકાયદેસર રીતે વેચાણ કરવા વિરુદ્ધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે છે. જી.જી. હોસ્પિટલ ખાતે વ્યસનમુક્તિ માટે વિશેષ કાઉન્સેલિંગ પ્રોગ્રામનું આયોજન કરાય છે, જેમાં નાગરિકોએ બહોળી સંખ્યામાં ભાગ લેવો જોઈએ.

આ ઉપરાંત, નેશનલ પ્રોગ્રામ ફોર કલાયમેટ ચેન્જ એન્ડ હ્યુમન રિસોર્સની સમીક્ષા બેઠકમાં સહિત ઋતુગત ફેરફારો અને કોલ્ડ વેવ અંગે જરૂરી માર્ગદર્શિકાની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, તાલુકા હેલ્થ ઓફિસરઓ, જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીગણ અને સમિતિના અન્ય સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.