ધૂમકેતુ સંસ્થાના જયેશ ઓઝાનાં આલ્બમ ‘ખ્વાહિશ’ નું વિવિધ ક્ષેત્રનાં શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

જામનગરમાં બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર જયેશ ઓઝાનાં ક્લાસિક ગીતોનાં અનપ્લગ્ડ વર્ઝનનાં યૂટ્યુબ આલ્બમ ‘ખ્વાહિશ’ ધૂમકેતુ નાટ્ય સંસ્થાનાં ઉપક્રમે આયોજીત પત્રકાર મિલન કાર્યક્રમમાં રામડેરી રેસ્ટોરન્ટનાં હોલમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ તકે અતિથી તરીકે વરીષ્ઠ મ્યુઝિક ડાયરેક્ટર, એરેન્જર તથા કંડક્ટર નલીનભાઇ ત્રિવેદી,મ્યુઝીક ડાયરેક્ટર તથા સપ્તક સંગીત સંધ્યાનાં કપિલભાઇ પંડ્યા, કવિ તથા પત્રકાર આદિત્ય જામનગરી, હિન્દી ફિલ્મી ગીતોનાં ઉત્કર્ષ ભાવક નવનીતભાઇ ચૌહાણ તથા વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર સિંગર કમલેશ એમ. ઓઝા ઉપસ્થિત રહયા હતાં.

જયેશ ઓઝાએ તેમનાં સંગીતગુરૂ નલીનભાઇ ત્રિવેદીની પ્રેરણાથી 10 ગીતોનું આલ્બમ ‘ખ્વાહિશ’ નામે તેમની યુટ્યૂબ ચેનલ પર પ્રસ્તુત કર્યુ છે. જયેશ ઓઝા અને તેમનાં પત્ની હિનાબેન ઓઝા તેમજ પુત્ર ડો. રશેષ ઓઝા તથા પુત્રવધૂ ડો.નિરાલી ઓઝાની સંયુક્ત કલા સાધના રૂપ આ આલ્બમ છે. જેમાં મ્યુઝીક એરેન્જર તરીકે રાજ રાણાએ જમાવટ કરી છે તેમજ સિનેમેટોગ્રાફર તથા એડીટર તરીકે મુંબઇનાં મિલન વૈદ્યએ પણ ગીતોને વધુ આહ્લાદક બનાવ્યા છે.

લગભગ 5 દાયકા જૂની નગરની પ્રતિષ્ઠિત નાટ્ય સંસ્થા ‘ધૂમકેતુ’ નાં સ્થાપક અને ગત વર્ષે વિદાય લેનાર વરીષ્ઠ રંગકર્મી પ્રકાશ વૈદ્યને આ તકે વિશેષ યાદ કરી સૂરાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જયેશ ઓઝાએ પ્રકાશ વૈદ્યને તેમનાં નાટ્યગુરૂ ગણાવી આ તકે ગુરૂ વંદના કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ પણ પ્રકાશ વૈદ્યની દીર્ધ અને પ્રભાવી નાટ્યસફરને બિરદાવી હતી.

ઉલ્લેખનીય છે કે, સાયકલ પર ભારત ભ્રમણ અને નેપાળ પ્રવાસ કરી ચૂકેલ જયેશ ઓઝા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી વય મર્યાદાને કારણે સેવાનિવૃત્ત થયા છે. નિવૃત્તિ પછી તેમની કલાયાત્રા વેગવાન બની છે. ધૂમકેતુ નાટ્ય સંસ્થા સાથે વિવિધ નાટકોમાં ભૂમિકાઓ ભજવ્યા ઉપરાંત તેઓ 4 ગુજરાતી ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકાઓમાં અભિનયનાં ઓજસ પાથરી ચૂક્યા છે.

જયેશ ઓઝાએ તેમની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે વર્ષ 2019 માં ‘સુરોએ મઢી સ્વપ્નની કાવ્ય સંધ્યા’ મ્યુઝીક આલ્બમ પ્રસ્તુત કર્યુ હતું. જેમાં પ્રસિદ્ધ કવિઓ સર્વશ્રી હરકિસન જોષી, યાવર કાદરી, મિનપિયાસી,બશીર બદ્ર, આદિત્ય જામનગરી સહિતનાં સર્જકોની રચનાઓ નલીનભાઇ ત્રિવેદીએ સંગીતબદ્ધ કરી હતી તથા રાજ રાણાએ મ્યુઝીક એરેન્જરની ભૂમિકા ભજવી હતી. આ આલ્બમ યુટ્યુબ પર લોકપ્રિય થયું છે.

કલાકાર ફેમિલી કહી શકાય એવા ઓઝા પરીવાર દ્વારા રજૂ થયેલ ‘ખ્વાહિશ’ આલ્બમનાં લોકાર્પણ પ્રસંગે નગરનાં કલા જગત તરફથી અભિનંદન વર્ષા થઇ હતી.

શ્રીમદ્ રાજચંદ્રનાં જીવન આધારીત મેગા શો ‘યુગપુરૂષ’ માં મુખ્ય ભૂમિકા નિભાવવા ઉપરાંત વિવિધ હિન્દી વેબસિરીઝમાં પણ અભિનયનાં ઓજસ પાથરનાર અભિનેતા પાર્થસારથી વૈદ્ય દ્વારા સમગ્ર કાર્યક્રમનું કલાત્મક સંચાલન સોનામાં સુગંધ સમાન રહ્યું હતું.

ધૂમકેતુ નાટ્ય સંસ્થા તથા ઓઝા પરીવારે આ તકે ઉપસ્થિત વિવિધ મિડીયાનાં પ્રતિનિધીઓનો આભાર વ્યક્ત કરી લોકશાહીની ચોથી જાગીરનો ઋણ સ્વીકાર કર્યો હતો.