જામનગર લોકસભા બેઠકમાં આ નેતાઓએ કર્યું મતદાન, જુઓ…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, જામનગર :

લોકશાહીનું મહાપર્વ ઉજવવા માટે જામનગરમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સવારથી જ મતદાતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે જામનગર શહેર અને ગ્રામ્યમાં કતારો લગાવેલા જોવા મળ્યા હતા. સવારથી જ મહાનુભાવો દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જામનગરમાં પોતાના મતદાન થકી લોકશાહી જીવંત રાખી રહ્યા છે.

જામનગરમાં વહેલી સવારે 7 વાગ્યે કૃષિ મંત્રી રાઘવજી પટેલ સજોડે મતદાન કરવા માટે તેમના પત્ની કાંતાબેન સાથે નારણપુર સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં રાઘવજીભાઈ પટેલે પોતાની નાદુરસ્ત તબિયત વચ્ચે પણ મતદાન કરી લોકોને પણ લોકશાહીના આ પર્વમાં સો ટકા મતદાન કરવા અપીલ કરી હતી.

જામનગરના દેવરાજ દેપાળ સ્કૂલ ખાતે ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પરિવાર સાથે દિવ્ય અકબરીએ લોકસભાની ચૂંટણીમાં પોતાનું મતદાન કર્યું હતું અને દેશ જીતમાં રાષ્ટ્ર કાજે લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

જામનગરના પંચવટી વિસ્તારમાં આવેલ વીએમ મહેતા મ્યુનિસિપલ કોલેજ ખાતે ધારાસભ્ય રિવાબા જાડેજાએ સવારે 8:30 વાગ્યે મતદાન કરવા પહોંચી લોકોની વચ્ચે મતદાન કર્યું હતું. લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ રિવાબા મીડિયા ને મતદાન કર્યાની નિશાની દેખાડી પરત ફર્યા હતા. જોકે મીડિયા સમક્ષ તેઓએ મતદાન કર્યા બાદ નિવેદન આપ્યું ન હતું.

સવારે 11.15 વાગ્યા બાદ જામનગરના ભાજપના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમે પોતાના માતા અને પરિવારજનો સાથે નવાગામ ઘેડમાં આવેલ ગાયત્રી ચોક પાસેના મતદાન મથક પર પોતાના મતાઅધિકારનો ઉપયોગ કર્યો હતો. આ તકે પુનમબેન માડમે લોકોને પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન અવશ્ય કરી લોકશાહીના આ પર્વની ઉજવવા આહવાન કર્યું હતું સાથે સાથે તમામ રાજકીય પક્ષના મતદાન મથક ઉપર ઉપસ્થિત લોકોને પણ શાંતિપ્રિય વાતાવરણમાં વધુમાં વધુ લોકો મતદાન સુનિશ્ચિત કરે તે માટે સહકાર આપવા અપીલ કરી હતી.

12 જામનગર લોકસભા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા જે.પી મારવિયા એ કાલાવડ તાલુકાના નિકાવા ખાતે આવેલા મતદાન મથક પર પરિવાર સાથે મતદાન કર્યું હતું અને જીતનો આશાવાદ પણ આ તકે વ્યક્ત કર્યો હતો.