કાલાવડ પંથકમાં કમોસમી વરસાદમાં વીજશોકથી 3 લોકોના મોત, ભારે ગમગીની

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, કાલાવડ :

ફોટો : સુરેશ ફળદુ

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં આવેલા ડુંગરાણી દેવડીયા ગામે કમોસમી વરસાદ પડતા મગફળી નો ભૂકો સરખો કરી રહેલા રવજીભાઈ જેસાભાઇ રોલા નામના 67 વર્ષીય વૃદ્ધ અને તેમના પત્ની સવિતાબેન રવજીભાઈ રોલા ઉપરાંત તેમને ત્યાં મજૂરી કરી રહેલા બુધા ધીરુભાઈ વાજડીયા નામના 28 વર્ષીય યુવાનનું વીજ વાયર તૂટવાના કારણે વીજ શૉક લાગવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ આ સમગ્ર મામલે કાલવડ પોલીસે તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વીજ વિભાગ દ્વારા અનેક દુર્ઘટનાઓ સર્જાય છે ત્યારે દર વર્ષે ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરીના નામે મસ મોટા ખર્ચા કરાય છે. પરંતુ વરસાદના આગમન થતાની સાથે જ વીજ વિભાગની કરાયેલી કામગીરીની પોલ ખુલ્લી પડે છે. દર વર્ષે વીજ વિભાગ દ્વારા સમારકામ કરવામાં આવતું હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતા અનેક સવાલો વીજ વિભાગની કામગીરી સામે પણ ઊભા થઈ રહ્યા છે.

હાલ તો કાલાવડ પંથકના ડુંગરાણી દેવડીયા ગામે એકી સાથે ત્રણ લોકોના જીવ જતા લોકોમાં રોષ સાથે ગમગીની ફેલાઈ છે.