જામનગરમાં કાળી ચૌદશની મધરાતે ભૂતનું પાન આરોગી યુવાનોએ અનોખો સંદેશ આપ્યો…

સૌરાષ્ટ્ર-કચ્છ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

દિવાળી પૂર્વે કાળીચૌદશની રાત્રે ભૂત પલીત અને મેલી વિદ્યા ફરતી હોય છે. આવી ગેરમાન્યતાઓ સામે જામનગરના યુવાનોએ કાળી ચૌદસના રાત્રીના 12 વાગ્યે ભૂતનું પાન આરોગીને આવી ગેરમાન્યતાઓને તિલાંજલિ આપી લોકોને જાગૃત કર્યા છે.

ખાણીપીણી માટે પ્રખ્યાત જામનગરના પાન પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે જામનગરમાં વર્ષોથી પાનની દુકાનો ધરાવતા ભુત પરિવારની 5 દુકાનો આવેલી છે. 1960થી જામનગરમાં ભૂત પાન શરૂ થયું છે. ત્યારે જામનગરના જુદા-જુદા વિસ્તારોમાં 5 દુકાનોમાં મીઠા પાન, સાદા પાન અને તમ્બાકુ વાળા પાનની જૂદી-જુદી વેરાયટીઓ ઉપલબ્ધ છે. જામનગરના ભૂતમાં મળતા પાન માટે કાથો, સુગંધી, સલી તેમજ ગુલકંદ જાતે વિશિષ્ટ રીતે બનાવે છે. જેને લઈને સ્વાદિષ્ટ પાન આરોગવા લોકો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે.

આજના આધુનિક અને વૈજ્ઞાનિક જમાનામાં પણ કેટલાક લોકો જુદી જુદી ગેરમાન્યતાઓ ને લઈને આજે પણ ડરી રહ્યા છે. તેવા સમયે પાન માટે પ્રખ્યાત જામનગરના નવયુવાનો લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર આજે પણ રમૂજ સાથે દર વર્ષની માફક કાળીચૌદસે રાત્રીના મધરાતે 12 વાગ્યે જ અચૂક ભૂતનું પાન ખાવા પહોંચે છે.

            • ફોટો : જય જોશી