જામનગર પોલીસની મોટી સફળતા: 20 વર્ષથી ‘પવન’ બનીને છુપાયેલો ડબલ મર્ડરનો આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો

ક્રાઈમ

ખબર કનેક્ટ ન્યૂઝ નેટવર્ક, જામનગર :

ગુજરાત પોલીસની ગુનેગારોને પકડવાની મક્કમતાનો વધુ એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે. શહેરના ૨૦૦૬ના ચકચારી ડબલ મર્ડર કેસમાં છેલ્લા બે દાયકાથી (૨૦ વર્ષથી) કાયદાના હાથોથી બચીને ભાગતા ફરતા ખૂંખાર આરોપીને જામનગર પોલીસે ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાંથી ફિલ્મી ઢબે દબોચી લીધો છે.

શું હતી સમગ્ર ઘટના?

વર્ષ ૨૦૦૬માં જામનગરના અંબર સિનેમા વિસ્તારમાં આવેલા પંચરત્ન કોમ્પ્લેક્સમાં લોહીયાળ જંગ ખેલાયો હતો. આ હિંસક હુમલામાં:

આલા કમાભાઈ મોરી (રબારી) અને મહેશચંદ્ર અગ્રવાલની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.

હુમલામાં ગૌરાંગ મોદી અને મિલન મોદી ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મુખ્ય આરોપી જીતેન ઉર્ફે જીતુ રમેશચંદ્ર ગુપ્તા ગુનો આચરીને ફરાર થઈ ગયો હતો.

ઓળખ બદલીને જીવતો હતો આરોપી

આરોપી જીતુ ગુપ્તા ધરપકડથી બચવા માટે પોતાના વતન ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાના અજીતમલ તાલુકામાં ‘પવન કુમાર’ નામ ધારણ કરી રહેતો હતો. અગાઉ પોલીસની વિશેષ ટીમો અને સ્થાનિક STF દ્વારા તેને પકડવા અનેક પ્રયાસો થયા હતા, પરંતુ તે દર વખતે પોલીસને થાપ આપી જતો હતો.

SIT ની રચના અને ઓપરેશન ‘યુપી’

ફરિયાદી મિલન મોદીની રજૂઆત બાદ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી.

વ્યૂહરચના: PI પી. પી. ઝા અને સિટી બી ડિવિઝનના સ્ટાફે વર્ષો જૂના કેસના કાગળોનો અભ્યાસ કરી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું જાળ બિછાવ્યું.

રેકી: PSI એમ.વી. મોઢવાડીયા, દશરથસિંહ, ધર્મેન્દ્રસિંહ અને સાજિદભાઈ બેલીમની ટીમે ઉત્તર પ્રદેશમાં ડેરો નાખ્યો.

વેશપલટો: આરોપી સાંઈબાબાના મંદિર પાસે છુપાયો હોવાની બાતમી મળતા, પોલીસ ટીમે વેશપલટો કરી બે દિવસ સુધી સતત વોચ રાખી હતી.

આખરે, તેની ઓળખની ખાતરી થતાં જ પોલીસે તેને ચારે બાજુથી ઘેરીને ઝડપી પાડ્યો હતો. નામ અને રહેઠાણ બદલીને રહેતા આ ગુનેગારને ૨૦ વર્ષે પકડી પાડી જામનગર પોલીસે કાયદો અને વ્યવસ્થાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.