ડાંગ જિલ્લામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી

ગુજરાત

ખબર કનેક્ટ ન્યુઝ નેટવર્ક, ડાંગ : 

ડાંગ જિલ્લામાં બારેમેઘ ખાંગા થતા લોકમાતાઓ રોદ્ર સ્વરૂપ ધારણ કરી વહેતી થતા તેના કેચમેન્ટ વિસ્તારોમાં આવતા કોઝવે પર પુરના ધસમસતા પ્રવાહ ફરી વળતા અનેક ગામડાઓ દિવસભર જિલ્લા મથકે થી સંપર્ક વિહોણા બન્યા હતા.

ડાંગ જિલ્લામા વરસાદને પગલે ધવલીદોડ ગામે એક મહિલાનું તણાઈ જવાથી મોત નિપજયુ હતું. જ્યારે એક ગાય ઉપર શેડ પડવાથી ગાયનું પણ મૃત્યુ થયું હતું.

ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવરીત વરસી રહેલા મેઘરાજા એ સમગ્ર ડાંગ જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. વઘઇ સાપુતારા અને આહવા વઘઇ થઈ કાલીબેલ વિસ્તારોમાં માર્ગ ઉપર ઠેરઠેર વૃક્ષો સહિત માટી ,પથ્થર ધસી પડવાના બનાવો બન્યા હતા, જેમાં વાહન ચાલકોને થોડા સમય માટે મુશ્કેલી વેઠવી પડી હતી. કાસવદહાડ-સુંદા વચ્ચે વીજ લાઈન પર વૃક્ષ ધરાશાઇ થયુ હતું, તેમજ જામલાપાડા મહાલ માર્ગ ઉપર પથ્થરની શીલા સહિત વીજ પોલ તૂટી પડતા માર્ગ અવરોધવા સાથે કલાકો સુધી આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાય જતા લોકોને મુશ્કેલી પડી હતી.

ડાંગમા વરસી રહેલા ભારે વરસાદને પગલે લોકમાતાઓ રોદ્ર રૂપ ધારણ કરી વહેતી થઈ હતી. અનેક નાના મોટા જલધોધ ફૂટી નીકળતા સૌંદર્ય સોલેકળાએ ખીલી ઉઠ્યું હતું.

જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર છેલ્લા છ કલાકમા આહવા ખાતે ૧૩૧ મી.મી., વઘઇ ખાતે ૧૭૭ મી.મી., સુબિર ખાતે ૧૦૭ મી.મી., અને સાપુતારા વિસ્તારમા ૫૩ મી.મી. વરસાદ નોંધાતા, સરેરાશ ૧૧૭ મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે.

આ દરમિયાન વરસાદને પગલે જિલ્લાના પીમ્પરી ગામના પશુપાલક અનિલભાઈ ગંસુભાઈ વળવીની એક ગાય ઉપર નળિયાવાળો શેડ તૂટી પડતા તેનુ મૃત્યુ નીપજ્યુ છે. જ્યારે આહવા તાલુકાના ધવલીદોડ ખાતે રહેતી સુમનબેન રાજુભાઇ નામની મહિલા વધુ વરસાદ પડી રહ્યો હોય ખેતરે થી કામ પૂરું કરી ઘરે પરત ફરતી વેળા નદીમાં પગ લપસી જતા ધસમસતા પ્રવાહ માં તણાવા લાગી હતી,તેને બચાવવા તેના પતિ રાજેશભાઈ એ કોશિશ કરતા બચાવી શક્યાં ન હતા.

વરસાદને પગલે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા, કુલ ૨૨ માર્ગો બપોરે બાર વાગ્યાની સ્થિતિએ તાત્કાલિક અસરથી બંધ કરવા પડ્યા હતા. જેને લઈને લોકોની અવરજવર પણ અટકી જવા પામી હતી.

ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને લઈને ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી હેલી અને ગાઢ ધૂમમસિયા વાતાવરણ નો લ્હાવો લેવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતા સાપુતારા વઘઇ માર્ગ ઉપર ઠેરઠેર ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી. જોકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગ ઉપર ધસી પડેલ માટી અને વૃક્ષો હટાવવાની કામગીરી ભવિરત કરવામાં આવતા પ્રવાસીઓ એ રાહત અનુભવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *